નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ને શનિવારે મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. તેમણે દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ, વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા અને પવન ખેડાની હાજરીમાં કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ ગ્રહણ કર્યું હતું.
પ્રિયંકા કક્કડ સાથે રજત રાકેશ ટંડન અને પૂર્વ ધારાસભ્ય શ્યામ સુન્દર શર્માએ પણ કોંગ્રેસનું સભ્યપદ લીધું છે. વ્યવસાયે વકીલ એવા પ્રિયંકા કક્કડ ટીવી ડિબેટમાં આમ આદમી પાર્ટીનો પક્ષ મજબૂતાઈથી રજૂ કરવા માટે જાણીતા હતા. ભાજપના પ્રવક્તાઓ સાથેની તેમની ચર્ચાના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હતા.
કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રિયંકા કક્કડે કહ્યું, "હું આજે ખૂબ ગર્વ સાથે કોંગ્રેસમાં જોડાઈ રહી છું, કારણ કે મારે એ દિલ્હી પાછું જોઈએ છે, જેમાં હું મોટી થઈ છું. મારે સ્વચ્છ, હરિયાળું, પ્રગતિશીલ અને સુરક્ષિત દિલ્હી જોઈએ છે. એક દાયકાથી વધુના અનુભવથી હું અનુભવું છું કે માત્ર કોંગ્રેસ જ આવું કરી શકે છે. મેં એ પણ અનુભવ્યું કે આજે આપણા દેશના રાજકારણમાં જો કોઈ નેતા વિશ્વાસપાત્ર હોય તો તે રાહુલ ગાંધી છે. મેં જોયું કે તેઓ એકમાત્ર એવા નેતા છે જેમણે કેમેરા માટે આંસુ નથી વહાવ્યા. તેમને નીચા બતાવવા માટે આખી મશીનરી લગાવવામાં આવી, પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અડગ રહ્યા."
આમ આદમી પાર્ટી છોડવાનું કારણ આપતા તેમણે 'બંગલો-ચોપર' નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, "શરૂઆતમાં વાત થતી હતી કે બંગલો કે ગાડી નહીં લઈએ, પરંતુ પછી ખાનગી મુસાફરી માટે હેલિકોપ્ટરનો ઉપયોગ થવા લાગ્યો. હું આ વાતનો બચાવ કરી શકતી નહોતી. પાર્ટીએ ઘણા બુદ્ધિશાળી લોકોને આકર્ષિત કર્યા, પરંતુ તેમને ટકાવી રાખવામાં નિષ્ફળ રહી. આજે એવા લોકોને સ્થાન મળી રહ્યું છે જેમણે બૂથ સ્તરે પણ કામ કર્યું નથી, તેમને રાજસ્થાનથી ઉપાડીને પંજાબમાં મોટા હોદ્દા, બંગલા અને ગાડીઓ આપવામાં આવી રહી છે. હું આ બાબતોનો બચાવ કરી શકતી નહોતી."
નોંધનીય છે કે, તાજેતરમાં રાઘવ ચઢ્ઢા સહિત અનેક નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી હતી. હવે પ્રિયંકા કક્કડના જોડાવાથી કોંગ્રેસને દિલ્હીમાં મજબૂતાઈ મળી છે.