દિલ્હીના બિકાનેર હાઉસમાં યોજાયેલા આર્ટિસ્ટ-ફોટોગ્રાફર રેહાન વાડ્રાના સોલો ફોટો એક્ઝિબિશન 'No Idea Is Final' ને લઈને મોટો વિવાદ સર્જાયો છે. રેહાન, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાના પુત્ર છે.
રેહાન વાડ્રાએ આરોપ લગાવ્યો છે કે બિકાનેર હાઉસના મેનેજમેન્ટે પ્રદર્શનની શરૂઆત પહેલાં દેશમાં તાજેતરમાં થયેલા યુવા આંદોલનો અને વિરોધ પ્રદર્શનોનું દસ્તાવેજીકરણ કરતી આશરે 74 તસવીરો તાત્કાલિક હટાવી લેવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત, મેનેજમેન્ટે ભારતીય રાષ્ટ્રધ્વજ (તિરંગા)ની 2 તસવીરો પણ હટાવવા જણાવ્યું હતું, જે હટાવવાનો રેહાને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
બુધવારે સાંજે 7:00 વાગ્યે શરૂ થનારા આ શોના થોડા કલાકો પહેલાં બપોરે 3:30 વાગ્યે મેનેજમેન્ટ તરફથી આદેશ આપવામાં આવ્યો હતો કે જો સાંજે 5:00 વાગ્યા સુધીમાં આ તસવીરો હટાવવામાં નહીં આવે તો સમગ્ર એક્ઝિબિશન રદ કરી દેવામાં આવશે. પીટીઆઈના અહેવાલ મુજબ, આ શો નિર્ધારિત કાર્યક્રમ મુજબ બુધવારે શરૂ થયો હતો, પરંતુ દીવાલો પર માત્ર 40 જેટલી તસવીરો જ પ્રદર્શિત રહી શકી હતી, જ્યારે 70 થી વધુ તસવીરો હટાવી લેવી પડી હતી. આ એક્ઝિબિશનમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, એબ્સ્ટ્રેક્ટ આર્ટ અને તાજેતરના યુવા આંદોલનોની તસવીરો રજૂ કરવામાં આવી છે, જે રવિવાર સુધી ચાલવાની છે.
રેહાન વાડ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર નારાજગી વ્યક્ત કરતાં લખ્યું હતું કે, '5 કલાક પહેલાં, બિકાનેર હાઉસ મેનેજમેન્ટે મને મારા શો 'No Idea Is Final' માં પ્રદર્શિત થયેલા મોટાભાગના આર્ટવર્કને હટાવવા માટે મજબૂર કર્યો, જે આજે સાંજે 7 વાગ્યે શરૂ થઈ રહ્યો છે. આ તસવીરો દિલ્હીમાં યુવા વિરોધ પ્રદર્શનોની હતી. દેખીતી રીતે, મેનેજમેન્ટના મતે આ સામગ્રી 'વાંધાજનક' છે. તેમણે મને તિરંગાની 2 તસવીરો પણ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. મેં સ્પષ્ટ ના પાડી દીધી છે. હું ભારતીય રાષ્ટ્રધ્વજની તસવીર ક્યારેય નીચે નહીં ઉતારું.'
રેહાને જણાવ્યું કે મેનેજમેન્ટે વિરોધ પ્રદર્શનોની તસવીરોના 'રાજકીય સ્વરૂપ' સામે વાંધો ઉઠાવ્યો હતો. મેનેજમેન્ટની દલીલ હતી કે દેશમાં પ્રવર્તમાન રાજકીય વાતાવરણને જોતાં આ તસવીરો પ્રદર્શિત કરવાનો આ યોગ્ય સમય નથી. રેહાને સ્પષ્ટતા કરી હતી કે આ તસવીરોમાં કોઈ રાજકીય સંદેશ નહોતો, પરંતુ તે માત્ર છેલ્લા 6 મહિના દરમિયાન થયેલા આંદોલનોનું વાસ્તવિક દસ્તાવેજીકરણ હતું. રેહાન વાડ્રાએ જણાવ્યું હતું કે, 'એક ભારતીય કલાકાર તરીકે મને લાગ્યું કે આ મારી ફરજ છે માત્ર એટલા માટે નહીં કે હું અત્યારે શો કરી રહ્યો છું, પરંતુ દેશમાં શું ચાલી રહ્યું છે તેનું દસ્તાવેજીકરણ કરવું એ એક ભારતીય કલાકાર તરીકે મારી પવિત્ર ફરજ છે… તેઓ કલાકારોના કામ પર સેન્સરશિપ લગાવી રહ્યા છે, મને સમજાતું નથી કે તેઓ શેનાથી ડરી રહ્યા છે. તેઓ તો ભારતીય રાષ્ટ્રધ્વજની તસવીર હટાવવાની હદ સુધી પહોંચી ગયા હતા.'
પોતાના પુત્રના એક્ઝિબિશનમાંથી તસવીરો હટાવવાની ઘટના પર તીખી પ્રતિક્રિયા આપતાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, 'મને લાગે છે કે આ અત્યંત હાસ્યાસ્પદ છે. તમે શું વિચારો છો? તે એક યુવાન છોકરો છે, પરંતુ મને લાગે છે કે તેઓ સમગ્ર દેશમાં યુવાનોનો અવાજ દબાવી રહ્યા છે. તેથી તેઓ કોઈપણ સાથે આવું કરી રહ્યા છે. આ દેશમાં હવે લોકશાહી રહી નથી.'