સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓની ધરણા દરમિયાન અટકાયત, પોલીસ પર બળપ્રયોગનો આરોપ

પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓની ધરણા દરમિયાન અટકાયત, પોલીસ પર બળપ્રયોગનો આરોપ

દિલ્હીમાં ચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસના ધરણા દરમિયાન જંતર-મંતર પાસે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પોલીસ પર બળપ્રયોગનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે મહિલા પોલીસકર્મીઓએ તેમને જમીન પર પાડી દીધા હતા. પ્રિયંકા ગાંધી પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતાં રસ્તા પર સૂઈ ગયા હતા.

પ્રિયંકા ગાંધીને રસ્તા પર સૂતા જોઈને અન્ય ઘણા નેતાઓ પણ તેમના સમર્થનમાં સૂઈ ગયા હતા. સ્થિતિ બેકાબૂ થતી જોઈને દિલ્હી પોલીસે કાર્યવાહી કરી અને અનેક નેતાઓને ઉઠાવીને અટકાયતમાં લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પણ પોલીસે કસ્ટડીમાં લીધા અને બસમાં બેસાડ્યા હતા.

મીડિયા સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'તેઓ (પોલીસકર્મીઓ) સાંસદો સાથે આવો જ વ્યવહાર કરે છે, જેઓ માત્ર ચૂંટણી કમિશનરને મળવા માટે કહી રહ્યા છે. તેઓ અમારી સાથે પણ આવો જ વ્યવહાર કરે છે. તેઓ સાંસદોને મારી રહ્યા છે.' તેમણે વધુમાં કહ્યું, 'મહિલા પોલીસકર્મીઓએ મને જમીન પર પાડી દીધી. હવે અમે અહીંથી નહીં હટીએ.'

પોલીસકર્મીઓએ પ્રિયંકા ગાંધીને ઉઠાવીને બસમાં બેસાડ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા હાથમાં બંધારણની કોપી લહેરાવતાં જોવા મળ્યા હતા. કોંગ્રેસે ઇન્ડિયા બ્લોક સાથે મળીને મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને આંદોલન કર્યું હતું.

પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર પણ સરકારને ચેતવણી આપી હતી. તેમણે X પર લખ્યું, 'આ સરકારને હટાવવા સિવાય હવે કોઈ બીજો રસ્તો બચ્યો નથી. હું દરેક દેશવાસીને કહેવા માગું છું કે આ સરકારને હટાવો. જો તમે આ સરકારને નહીં હટાવો, તો દેશ ખાઈમાં ધકેલાઈ જશે. આ વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે, લોકતંત્ર એટલે જનતાનું શાસન. તેના કેટલાક સિદ્ધાંતો છે, જે બંધારણમાં છે.'

તેમણે આગળ કહ્યું કે આ સરકારે બંધારણ માટે કામ કરવું જોઈએ, પરંતુ આ સરકાર તમામ સિદ્ધાંતો તોડી રહી છે. ગઈકાલથી 300થી વધુ સાંસદો કહી રહ્યા છે કે અમે ચૂંટણી કમિશનરોને મળવા માગીએ છીએ. અમે તેમને 'વોટ ચોરી' વિશે જણાવવા માગીએ છીએ અને તેમનું રાજીનામું માગવા માગીએ છીએ, કારણ કે અમને તેમના પર વિશ્વાસ નથી. ચૂંટણી પંચ દેશની જનતા માટે કામ કરે છે અને અમે જનતાના પ્રતિનિધિઓ છીએ. અમે શાંતિપૂર્વક જઈને તેમની સાથે વાત કરવા માગીએ છીએ, પરંતુ સરકાર એટલી કાયર છે કે તે જનતાના અવાજથી ડરે છે. તેથી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અટકાવી રહી છે.