બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા લગ્ન બાદ અમેરિકામાં રહે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને તહેવારોને હજુ પણ આગ્રહપૂર્વક ઉજવે છે. તેણે અમેરિકામાં પતિ નિક જોનસ સાથે કરવા ચોથની ઉજવણી કરી અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા છે. આ દરમિયાન દીકરી માલતી મેરી અને પિતા નિક વચ્ચેના લાગણીભર્યા બોન્ડિંગની ઝલક પણ જોવા મળી.
પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હથેળીની બે તસવીરો શેર કરી છે. પ્રથમ ફોટામાં તેના હાથ પર મહેંદીથી પતિ નિક અને દીકરી માલતી મેરીના નામનો પહેલો અક્ષર લખેલો જોઈ શકાય છે. આ ફોટા સાથે તેણે લખ્યું, 'DIY, પિયા કે નામ કી મહેંદી.' બીજા ફોટામાં તેણે મહેંદીવાળો હાથ બતાવીને પૂછ્યું, 'પ્રશ્ન એ છે કે શું ખાંડની ચાસણી કામ કરશે. જેઓ જાણે છે, તેઓ સમજી ગયા હશે.' ખાંડની ચાસણી મહેંદી પર લગાવવાથી ઘેરો રંગ આવે છે તેવી પરંપરાગત માન્યતા છે. પ્રિયંકાના આ પ્રશ્ને દર્શાવ્યું કે તે ભારતીય રીત-રિવાજોની નાની-નાની વાતો પણ ભૂલી નથી.
ત્રીજા ફોટામાં દીકરી માલતી મેરી પિતા નિક જોનસને ભેટતી જોવા મળે છે. માલતીએ ઇન્ડો-વેસ્ટર્ન પોશાક પહેર્યો છે. આ ફોટા સાથે પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું, 'પપ્પા ઘરે આવી ગયા, મારી આખી દુનિયા એક જ ફ્રેમમાં. કરવા ચોથની શુભેચ્છાઓ.' સાથે તેણે પૂજા ભટ્ટનું ગીત 'ગલી મેં આજ ચાંદ નિકલા' શેર કર્યું.
ચોથા ફોટામાં પ્રિયંકાએ લાલ પોશાકમાં સેલ્ફી શેર કરી છે. તે લાલ ચાંલ્લો, સોનાના દાગીના, ઘડિયાળ અને ટોપી પહેરેલી દેખાય છે. આ ફોટા સાથે તેણે લખ્યું, 'આ ચાંદ ક્યારે નીકળશે?' આ સ્ટોરી પરથી એવું લાગે છે કે પતિના લાંબા આયુષ્ય માટે રાખેલા વ્રતને કારણે પ્રિયંકાને ભૂખ લાગી છે અને તે ચાંદ નીકળવાની અધીરાઈથી રાહ જોઈ રહી છે.
અંતમાં પ્રિયંકાએ પતિ નિક સાથે કરવા ચોથની પૂજા કરતો ફોટો શેર કર્યો છે. ફોટામાં લાલ ડ્રેસમાં સજેલી પ્રિયંકાના હાથમાં પૂજાની થાળી, કરવો અને ચાળણી દેખાય છે, જ્યારે નિકે ઓફ-વ્હાઇટ કલરનો કૂર્તો પહેર્યો છે. ફોટા સાથે તેણે લખ્યું, 'ઓકે, હું દર વર્ષે થોડી ફિલ્મી છું.' સાથે તેણે ઐશ્વર્યા રાય બચ્ચનનું ગીત 'ચાંદ છૂપા બાદલ મેં' શેર કર્યું.
નોંધનીય છે કે પ્રિયંકા ચોપરા વિદેશમાં પણ ભારતીય તહેવારો ધામધૂમથી ઉજવે છે. થોડા દિવસ પહેલાં તેણે લોસ એન્જલસ સ્થિત પોતાના ઘરે દશેરાની ઉજવણી કરી હતી. આ દિવસે તેણે પૂજા, શિવલિંગ અભિષેક, હવન અને કન્યા પૂજા જેવા ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યા હતા. નિક જોનસે પણ પત્નીનો સાથ આપ્યો હતો અને કન્યા પૂજન દરમિયાન દીકરી માલતી મેરીના પગ ધોતો જોવા મળ્યો હતો. આ પ્રસંગે માલતી મેરીએ આઇવરી રંગનો પોશાક અને 'જય માતા દી' લખેલો દુપટ્ટો ઓઢ્યો હતો.