સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રિયંકા ચોપરાની 4 વર્ષની દીકરી માલતી મેરીએ ગાયત્રી મંત્ર બોલીને ચાહકોનું દિલ જીત્યું

પ્રિયંકા ચોપરાની 4 વર્ષની દીકરી માલતી મેરીએ ગાયત્રી મંત્ર બોલીને ચાહકોનું દિલ જીત્યું

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાની 4 વર્ષની દીકરી માલતી મેરીનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં માલતી ગાયત્રી મંત્ર બોલતી સંભળાય છે. લગ્ન પછી પ્રિયંકા વિદેશમાં રહે છે, છતાં ભારતીય સંસ્કારો સાથે તેનો નાતો યથાવત હોવાનું આ વીડિયો બતાવે છે.

વીડિયોમાં માલતી આકાશી રંગના ડ્રેસમાં મમ્મી પ્રિયંકાના ખોળામાં બેઠેલી જોવા મળે છે. બંને મંદિરની સામે બેઠાં છે. અમેરિકન ઉચ્ચાર હોવા છતાં માલતી મંત્રના શબ્દો સ્પષ્ટ રીતે બોલે છે. મંત્ર પૂરો થતાં જ પ્રિયંકાએ દીકરીને ગળે લગાવી લીધી અને કહ્યું, ‘કેટલું સુંદર!’

આ પહેલી વાર નથી કે માલતીને મંત્ર બોલતી સાંભળવામાં આવી હોય. અગાઉ પ્રિયંકાએ શેર કરેલા એક વીડિયોમાં માલતી દુર્ગા સપ્તશતીના મંત્રો બોલતી જોવા મળી હતી. પ્રિયંકાએ એ પણ જણાવ્યું હતું કે માલતીનો જન્મ 27 અઠવાડિયામાં થયો હતો. તેને 100 દિવસ સુધી NICU (નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં રાખવામાં આવી હતી. એ સમયગાળા દરમિયાન પ્રિયંકાએ દીકરીના કાન પાસે ધીમા અવાજે મહામૃત્યુંજય મંત્ર જેવા મંત્રો વગાડ્યા હતા.

પ્રિયંકાએ દીકરીના અન્ય કેટલાક ફોટો પણ શેર કર્યા. એકમાં માલતી બીચ પર રેતીથી રમતી દેખાય છે. તેણે ગુલાબી સ્વિમસૂટ અને કેપ પહેરી હતી. બીજા ફોટોમાં માલતી સેટ પર સ્ક્રિપ્ટ વાંચતી જોવા મળે છે, અને તેણે પ્રોડ્યુસરના હેડફોન પહેર્યા છે. ત્રીજા ફોટોમાં તે યૉટ પર ચિત્ર દોરતી દેખાય છે.

પ્રિયંકાએ પોતાના બીચ વેકેશનની ઝલક પણ બતાવી. તેણે આ જગ્યાને ડ્રીમ લોકેશન ગણાવી. એક વીડિયોમાં તે ઘૂઘવાતા સમુદ્રકિનારે વાયર્ડ ઇયરફોન લગાવીને ચાલતી જોવા મળે છે. એક ફોટોમાં તેના માતા પણ દરિયાના દૃશ્યનો આનંદ માણતા દેખાય છે. પતિ નિક જોનસ સાથે પ્રિયંકાએ સર્ફિંગની મજા પણ માણી. તેણે બીકીનીમાં તસવીર પણ શેર કરી. વધુમાં, રેતીમાં હૃદય બનાવીને નિક, માલતી અને પોતાના નામના પ્રારંભિક અક્ષર લખ્યા હતા.

વેકેશનની સાથે પ્રિયંકા કામ પર પણ ધ્યાન આપી રહી છે. તેણે શૂટિંગના કેટલાક બિહાઇન્ડ ધ સીન્સ (BTS) પણ શેર કર્યા. આ વીડિયોમાં તે સેટ પર દીકરી માલતી સાથે મસ્તી કરતી જોવા મળે છે.