બોલિવૂડના જાણીતા નિર્દેશક પ્રિયદર્શને તેમની આગામી ફિલ્મો 'ભાગમ ભાગ 2' અને 'હેરા ફેરી 3' અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 'ભાગમ ભાગ 2'નું નિર્દેશન કરશે નહીં. આ ઉપરાંત, તેમણે 'હેરા ફેરી 3' અંગે પણ નિરાશાજનક સમાચાર આપ્યા છે.
પ્રિયદર્શનનું માનવું છે કે, કોઈ પણ આઇકોનિક ફિલ્મની સિક્વલ ત્યારે જ બનાવવી જોઈએ જ્યારે તેની વાર્તા પહેલી ફિલ્મ કરતાં વધુ સારી હોય. માત્ર પહેલી ફિલ્મની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માટે સિક્વલ બનાવવી તેમને યોગ્ય લાગતું નથી. તેમણે ઉદાહરણ આપતાં 'ટર્મિનેટર' ફ્રેન્ચાઇઝીનો ઉલ્લેખ કર્યો, જેમાં બીજો ભાગ પહેલી ફિલ્મ કરતાં વધુ સારો હતો.
'હેરા ફેરી 3' અંગે પૂછવામાં આવતાં પ્રિયદર્શને જણાવ્યું કે, આ ફિલ્મ સાથે જોડાયેલા વિવાદો અને પરિસ્થિતિઓ ખૂબ ગૂંચવાયેલી છે. તેમને લાગતું નથી કે 'હેરા ફેરી 3' ક્યારેય બની શકશે.
ઉલ્લેખનીય છે કે, પ્રિયદર્શને હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'હૈવાન'નું નિર્દેશન કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. તેમ છતાં, તેમની કોમેડી ફિલ્મો 'ભાગમ ભાગ' (2006) અને 'હેરા ફેરી'એ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.