નવી દિલ્હી: ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી મેડિકલ સામાન અને દવાઓના ઘણા ઊંચા ભાવ વસૂલે છે, એવી ફરિયાદો બાદ કેન્દ્ર સરકારે આ મુદ્દે સમીક્ષા શરૂ કરી છે. સ્વાસ્થ્ય અને રસાયણ ખાતર મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ દવા કે સામાન બજારમાંથી કેટલા ભાવે ખરીદે છે અને દર્દી પાસેથી કેટલા વસૂલે છે, તેના અંતર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં આવા કેસો સામે આવ્યા બાદ આ સમીક્ષા શરૂ થઈ છે. એક હોસ્પિટલે આઈવી સેટ લગભગ ૧૧ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ દર્દી પાસેથી ૩૨૫ રૂપિયા વસૂલ્યા હતા. તે જ રીતે, ૨૯ રૂપિયામાં ખરીદાયેલા કેથેટરના ૩૧૦ રૂપિયા અને ૭ રૂપિયામાં ખરીદાયેલી સિરિંજના ૫૭ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સામાં ૪૦-૪૫ રૂપિયામાં ખરીદાયેલા નેબ્યુલાઈઝર અને ઓક્સિજન માસ્કના દર્દી પાસેથી બિલમાં ૬૫૦થી ૭૧૫ રૂપિયા સુધી વસૂલવામાં આવ્યા હતા.
સૂત્રોએ કહ્યું કે, હોસ્પિટલો માત્ર ઉત્પાદનની એમઆરપીને આધાર બનાવે એ યોગ્ય નથી. હોસ્પિટલની ખરીદ કિંમત અને દર્દીના બિલ વચ્ચેના અંતરની સમીક્ષા કરવામાં આવશે અને તેના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સરકારે ખાનગી હોસ્પિટલો અને મેડિકલ ક્ષેત્ર સાથે ભાવમાં તર્કસંગતતા અંગે ચર્ચા પણ શરૂ કરી છે.
સમીક્ષામાં જણાયું છે કે સારવાર દરમિયાન આઈવી સેટ, સિરિંજ, કેથેટર, ઓક્સિજન માસ્ક જેવા કન્ઝ્યુમેબલની જરૂર પડે છે. હોસ્પિટલમાં દાખલ દર્દી માટે ભાવની સરખામણી કરવી કે બહારથી સામાન ખરીદવો હંમેશા સરળ હોતું નથી. આથી ખરીદ કિંમત અને બિલ વચ્ચેનું મોટું અંતર સારવારનો કુલ ખર્ચ વધારે છે. દવાઓના કિસ્સામાં પણ હોસ્પિટલની પોતાની ફાર્મસીમાંથી ખરીદીની વ્યવસ્થા હોવાથી દર્દીની નિર્ભરતા વધી જાય છે.
મહારાષ્ટ્રના કેસો સામે આવ્યા પછી હવે દેશભરની હોસ્પિટલોમાં દવા, મેડિકલ સામાન અને કન્ઝ્યુમેબલ્સની ખરીદી તથા દર્દીઓ પાસેથી વસૂલાત રકમની સ્વાસ્થ્ય મંત્રાલયે સમીક્ષા શરૂ કરી છે. આ અગાઉ સસ્તી દવાઓ ઊંચા ભાવે વેચાતી હોવા મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.