સત્ય. સાહસ. સંકલ્પ.

પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલની સગાઈ તૂટી, આકૃતિએ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું- 'પ્રેમ છે, પણ રસ્તા અલગ'

પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલની સગાઈ તૂટી, આકૃતિએ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું- 'પ્રેમ છે, પણ રસ્તા અલગ'

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને તેમની મંગેતર આકૃતિ અગ્રવાલે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક સમયથી બંનેના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર આકૃતિએ પોતે જ પૂર્ણવિરામ મૂકી દીધું છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલે એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને આ સગાઈ તૂટી હોવાની સત્તાવાર જાહેરાત કરી છે.

આકૃતિ અગ્રવાલે પોસ્ટમાં શું કહ્યું?
"અત્યંત ભારે હૈયે મારે જણાવવું પડી રહ્યું છે કે મેં અને મારા મંગેતરે અલગ થવાનો નિર્ણય કર્યો છે. જિંદગી પાસે અમારા બંનેની અપેક્ષાઓ જુદી જુદી હતી અને ભવિષ્યના લક્ષ્યો પણ અલગ હતા. સંજોગોને ધ્યાનમાં રાખીને અમે આ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું છે. એકબીજા પ્રત્યે પ્રેમ અને કાળજી હોવા છતાં, અમે સ્વીકારી લીધું છે કે હવે અમારી મંજિલ એક નથી. અમે ચાહકોને વિનંતી કરીએ છીએ કે અમારા નિર્ણય પર કોઈ અટકળો ન લગાવે અને અમારી પ્રાઇવસીનું સન્માન કરે."

માર્ચ મહિનામાં ધામધૂમથી થઈ હતી સગાઈ
નોંધનીય છે કે આકૃતિ અગ્રવાલ જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 35 લાખથી વધુ ફોલોઅર્સ છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ધામધૂમથી સગાઈ કરી હતી. જોકે, સગાઈના માંડ છ મહિનામાં જ બંનેના રસ્તા કાયમ માટે અલગ થઈ ગયા છે.

જુઓ સગાઈની 5 તસવીરો…
સગાઈ દરમિયાન પૃથ્વી શૉને વીંટી પહેરાવતી આકૃતિ અગ્રવાલ.
પૃથ્વી શૉએ ઘૂંટણિયે બેસીને આકૃતિને વીંટી પહેરાવી.
સગાઈમાં પૃથ્વી શૉએ શેરવાની પહેરી હતી. જ્યારે, આકૃતિ અગ્રવાલે લાલ અને ગોલ્ડન રંગનો સુંદર લહેંગા-ચોલી પહેર્યો છે.
પૃથ્વી શૉ ઘરેલું ક્રિકેટમાં મહારાષ્ટ્ર અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે.
આકૃતિનો જન્મ લખનઉમાં થયો હતો અને તેણે મુંબઈની નિર્મલા મેમોરિયલ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો.

પૃથ્વીના મુશ્કેલ સમયમાં આકૃતિ હતી પડખે
પૃથ્વી શૉ માટે છેલ્લા કેટલાક વર્ષો કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ પડકારજનક રહ્યા છે. ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા બાદ વાપસી મુશ્કેલ બની ગઈ છે અને IPLમાં પણ પૂરતી તકો નથી મળી રહી. આવા કપરા સમયમાં આકૃતિ હંમેશાં તેની સાથે મજબૂતીથી ઊભી રહી હતી, જેથી તેમના અચાનક અલગ થવાથી ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાયા છે.

જુલાઈ મહિનામાં જ સંબંધોમાં ખટાશના સંકેત મળ્યા હતા
આ વર્ષે જુલાઈ મહિનામાં આકૃતિની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે ચકચાર જગાવી હતી. તેણે 'વિશ્વાસઘાત' તરફ ઈશારો કરતા લખ્યું હતું કે, "મને ઘણી વખત દગો મળ્યો છે, છતાં મેં ક્યારેય એક શબ્દ પણ નથી કહ્યો." આ પોસ્ટ બાદથી જ ફેન્સ તેમના બ્રેકઅપની અટકળો લગાવી રહ્યા હતા, જે હવે સાચી સાબિત થઈ છે.

…………………
આ સમાચાર પણ વાંચો
પૃથ્વી શૉની જિંદગીની 'નવી ઇનિંગ્સ' શરૂ: એક્ટ્રેસ આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી, ક્રિકેટરે લખ્યું- 'મેદાન પર સિક્સરથી લઈ આખી જિંદગીની પરફેક્ટ ઇનિંગ્સ'
ભારતને અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન પૃથ્વી શૉએ ઇન્ફ્લુએન્સર અને એક્ટ્રેસ આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી લીધી છે. આ અંગેની જાણકારી ક્રિકેટરે રવિવારે આપી.
સંપૂર્ણ સમાચાર વાંચો.
દિવ્ય ભાસ્કરને Google પર મનપસંદ સોર્સ બનાવો