કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિનેમા જગતની હસ્તીઓને સન્માનિત કરી હતી. દેશભરના કલાકારો, દિગ્દર્શકો અને ટેકનિશિયનને મેડલ અને પુરસ્કાર રાશિ આપવામાં આવી હતી. કાર્તિક આર્યનને ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે અને મમ્મૂટીને ફિલ્મ 'ભ્રમયુગમ' માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ફિલ્મ 'આર્ટિકલ 370' માટે યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો.
સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બોલિવૂડ સ્ટાર્સને એક ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, સફળ અને લોકપ્રિય અભિનેતાઓમાં યુવાનો અને બાળકોને પ્રભાવિત કરવાની ક્ષમતા હોય છે. જ્યારે કોઈ સ્ટાર જીવનશૈલી વિશે વાત કરે છે, ત્યારે દેશના કરોડો યુવાનો તેનું અનુસરણ કરે છે. તેથી તેમણે અપીલ કરી કે, લોકપ્રિય કલાકારો સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓની જાહેરાત બિલકુલ ન કરે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, સ્ટાર તે જ છે જે પ્રકાશ ફેલાવે, અંધારું નહીં. તેમણે કલાકારોને તેમની લોકપ્રિયતા અને સ્ટારડમનો ઉપયોગ સમાજમાં યોગ્ય અને સકારાત્મક દિશા દર્શાવવા માટે કરવાનું કહ્યું હતું.
રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, સિનેમા અને કલા ક્ષેત્ર ફક્ત મુખ્ય કલાકારોથી બનેલું નથી. મોટી સંખ્યામાં મજૂરો, નાના કલાકારો, લાઇટમેન, સ્પોટ બોય, મેકઅપ કલાકારો, કોસ્ચ્યુમ સહાયકો અને અન્ય ઘણા વ્યક્તિઓ ફિલ્મ બનાવવા માટે દિવસ-રાત કામ કરે છે. તેમણે ઉદ્યોગના નેતાઓ અને મુખ્ય પ્રતિનિધિઓને અપીલ કરી કે તેઓ આ 'સર્જનાત્મક અર્થતંત્ર'ની કરોડરજ્જુ ગણાતા આ નાના કર્મચારીઓના અધિકારો, વાજબી વેતન અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરે. સેટ પર કામ કરતા દરેક વ્યક્તિનું તેમના યોગદાન માટે સન્માન થવું જોઈએ, કારણ કે તેમની મહેનત વિના કોઈ પણ મોટો પ્રોજેક્ટ કે ફિલ્મ સફળ થઈ શકતી નથી.
ઉલ્લેખનીય છે કે, અજય દેવગન, શાહરુખ ખાન, અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ પાન મસાલાની જાહેરાત કરતા જોવા મળે છે. રાષ્ટ્રપતિની આ અપીલને પગલે આ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.