સત્ય. સાહસ. સંકલ્પ.

રાષ્ટ્રપતિ મુર્મુની સ્ટાર્સને અપીલ: આરોગ્ય માટે નુકસાનકારક ઉત્પાદનોની જાહેરાત ન કરો

રાષ્ટ્રપતિ મુર્મુની સ્ટાર્સને અપીલ: આરોગ્ય માટે નુકસાનકારક ઉત્પાદનોની જાહેરાત ન કરો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સ સમારોહમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઝને આરોગ્ય માટે નુકસાનકારક ઉત્પાદનોની જાહેરાત ન કરવા અપીલ કરી છે. મંગળવારે ગુજરાતમાં આયોજિત આ સમારોહમાં તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે લોકપ્રિય ફિલ્મ કલાકારોમાં દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોને પ્રભાવિત કરવાની અપરિમિત ક્ષમતા હોય છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, 'જ્યારે સફળ ફિલ્મ કલાકારો શિસ્તબદ્ધ જીવનશૈલીના ફાયદા વિશે જણાવે છે, ત્યારે કરોડો બાળકો અને યુવાનો તેમનું અનુસરણ કરે છે.' તેમણે વધુમાં જણાવ્યું, 'હું વિનંતી કરવા માગું છું કે લોકપ્રિય કલાકારો સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થોનું એન્ડોર્સમેન્ટ ન કરે. સ્ટાર એ જ છે જે પ્રકાશ ફેલાવે, અંધકાર નહીં.'

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે ફિલ્મોની પસંદગી કરતી જ્યુરીમાં મહિલાઓની વધુ ભાગીદારીની માંગ કરી. તેમણે કહ્યું, 'હું ઈચ્છું છું કે દરેક પ્રાદેશિક જ્યુરીમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે.' તેમણે ઉમેર્યું, 'કોઈપણ ક્ષેત્રમાં મહિલાઓનો દૃષ્ટિકોણ સામેલ કરવાથી વ્યક્તિને દરેક પાસાથી જોવાની વિચારસરણી વિકસે છે.'

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને વિમલ ઈલાયચીની જાહેરાત સાથે જોડાયેલા મામલે કારણદર્શક નોટિસ જારી કરી હતી. મહારાષ્ટ્ર FDA મુજબ, આ અભિયાન વિમલ પાન મસાલાની પરોક્ષ અથવા સરોગેટ જાહેરાત હોઈ શકે છે, અને રાજ્યમાં વિમલ પાન મસાલા પ્રતિબંધિત છે. નોટિસમાં ત્રણેય કલાકારો પાસેથી આ અભિયાનમાં સામેલ થવા અંગે સ્પષ્ટતા માગવામાં આવી હતી.

આ મામલો અદાલત સુધી પણ પહોંચી ચૂક્યો છે. દિલ્હી હાઈકોર્ટે મહારાષ્ટ્ર FDAની નોટિસને પડકારતી PB એગ્રો LLPની અરજી ફગાવી દીધી હતી. આ નોટિસ વિમલ ઈલાયચી અભિયાન દ્વારા પાન મસાલાની કથિત સરોગેટ જાહેરાતને લઈને જારી કરવામાં આવી હતી.

અક્ષય કુમાર સાથે જોડાયેલ વિમલ પાન મસાલાની જાહેરાતનો વિવાદ વર્ષ 2022માં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. અક્ષય કુમાર, અજય દેવગન અને શાહરુખ ખાન સાથે વિમલની જાહેરાતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અક્ષયના ચાહકોએ તેની ટીકા કરી હતી. ચાહકોનું કહેવું હતું કે ફિટનેસ અને હેલ્ધી લાઇફસ્ટાઇલની વાત કરતા એક્ટરે પાન મસાલા બ્રાન્ડનો પ્રચાર ન કરવો જોઈએ.

વિવાદ વધ્યા બાદ અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ચાહકોની માફી માંગી હતી અને વિમલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પીછેહઠ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે જાહેરાતમાંથી મળેલી એન્ડોર્સમેન્ટ ફી કોઈ સારા કામ માટે દાન કરશે.

જોકે, ઑક્ટોબર 2023માં વિમલની બીજી એક જાહેરાત સામે આવ્યા બાદ અક્ષય ફરીથી ટ્રોલ થયો હતો. લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે તે જાહેરાતમાંથી હટી ગયો હતો, તો પછી તેમાં કેવી રીતે જોવા મળ્યો? આ અંગે અક્ષય કુમારે સ્પષ્ટતા કરી હતી કે તેણે આ જાહેરાતનું નવું શૂટિંગ કર્યું નહોતું. આ શૂટિંગ ઑક્ટોબર 2021માં જ થઈ ગયું હતું. કૉન્ટ્રાક્ટની અવધિને કારણે કંપની પાસે જૂની જાહેરાત પ્રસારિત કરવાનો અધિકાર હતો. અક્ષયે સ્પષ્ટ કર્યું હતું કે તે ભવિષ્યમાં આવી જાહેરાતોનું શૂટિંગ નહીં કરે.