રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના છ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. આ નિમણૂકોમાં કેટલાક રાજ્યપાલોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલી કરવામાં આવ્યા છે, જ્યારે કેટલીક નવી નિમણૂકો પણ કરવામાં આવી છે.
સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરને હવે કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. માથુરે જુલાઈ 2024માં સિક્કિમના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે.
કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને હવે તમિલનાડુના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે. આર્લેકર માર્ચથી તમિલનાડુના રાજ્યપાલનો વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા. તે સમયે તત્કાલીન રાજ્યપાલ આર. એન. રવિને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આર્લેકર ગોવા વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર છે અને હિમાચલ પ્રદેશ તથા બિહારના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિના આદેશ મુજબ, બ્રજ મોહન રામને ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ડૉ. સુધા યાદવને કર્ણાટકના રાજ્યપાલ અને ડૉ. ઢાલ સિંહ બિસેનને ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સિક્કિમના નવા રાજ્યપાલ તરીકે દુષ્યંત ગૌતમની નિમણૂક કરવામાં આવી છે.