વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમને લઈને એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના પ્રમુખ ફલાહારી મહારાજે એક પત્ર જાહેર કરીને આક્ષેપ કર્યો છે કે કેટલાક તત્વો સંત પ્રેમાનંદ મહારાજની પવિત્ર છબીનો દુરુપયોગ કરી રહ્યા છે. આ પત્રમાં ક્રિકેટર વિરાટ કોહલીને ₹5 કરોડની લાલચ આપવાથી લઈને વૃંદાવનમાં સક્રિય ભૂમિ માફિયા, કથિત કિડની કૌભાંડ અને ગુમ થયેલા બાળકો જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સાથે જ સમગ્ર પ્રકરણની CBI તપાસની માંગણી કરવામાં આવી છે.
આ વિવાદની શરૂઆત સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીના શંકાસ્પદ મૃત્યુ બાદ થઈ છે. શિષ્યના અવસાનને પગલે કેલિકુંજ આશ્રમ સાથે સંકળાયેલી ગતિવિધિઓ પર સવાલો ઊભા થયા હતા. ફલાહારી મહારાજે આ સંદર્ભમાં ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આશ્રમની આસપાસ અસામાજિક અને માફિયા પ્રવૃત્તિઓ વધી રહી છે, જેનાથી સંતના જીવન અને સનાતન પરંપરા બંને સામે જોખમ ઊભું થયું છે.
ફલાહારી મહારાજે પોતાના પત્રમાં દાવો કર્યો છે કે એક ચોક્કસ જૂથે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ₹5 કરોડની લાલચ આપી હતી. આ જૂથનો દાવો પ્રેમાનંદ મહારાજનું પ્રમોશન કરવાનો હતો. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે રાજસ્થાન સ્થિત એક ખાનગી કંપનીએ વિરાટ કોહલી સમક્ષ ₹5 કરોડની ઓફર મૂકી હતી. એ જ કંપની સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકો હવે સાધુ-સંતોનો વેશ ધારણ કરીને આશ્રમમાં પ્રવેશી ચૂક્યા છે. ભગવા વસ્ત્રો ધારણ કરી આ તત્વો આશ્રમની આડમાં મોટા પાયે મિલકતોની લે-વેચ અને પ્રોપર્ટી ડીલિંગના વેપારમાં ગળાડૂબ બન્યા છે.
પત્રમાં વૃંદાવન સ્થિત ન્યૂ બેલવન આશ્રમ નજીકના યમુના પૂરના મેદાનો (યમુના ખાદર)ની સરકારી જમીનોના વેચાણ અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, સરકારી અધિકારીઓની કથિત મિલીભગતથી પૂર નિયંત્રણ હેઠળની અતિસંવેદનશીલ જમીનો બારોબાર વેચી દેવામાં આવી રહી છે. સંત પ્રેમાનંદ મહારાજના નામનો ઓથ લઈ ભૂમિ માફિયાઓ કરોડો રૂપિયાના જમીન સોદા પાડી રહ્યા છે. આ ઉપરાંત પત્રમાં માનવ અંગોની ગેરકાયદે હેરાફેરી (કિડની ચોરી) અને બાળકો ગુમ થવા પાછળ પણ આવા માફિયા તત્વોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ફલાહારી મહારાજે પ્રેમાનંદ મહારાજ પ્રત્યે આદર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ ત્યાગ, તપસ્યા અને અન્નનો ત્યાગ કરનારા સાચા સંત છે. તેમણે લાગણીભર્યા શબ્દોમાં કહ્યું, "સનાતન ધર્મ અને હિન્દુ સમાજને સંત પ્રેમાનંદ મહારાજની જરૂર છે. જો તેમને જરૂર પડે તો હું મારી કિડની દાન કરવા પણ સહર્ષ તૈયાર છું. પરંતુ કેટલાક માફિયાઓ તેમના પવિત્ર નામને કલંકિત કરી રહ્યા છે, તેથી તેમણે આવા તત્વોથી તાત્કાલિક અંતર જાળવી લેવું જોઈએ." ફલાહારી મહારાજે પૂજ્ય બાબાને વૃંદાવન છોડી પવિત્ર ગોવર્ધન ગિરિરાજજીમાં નિવાસ કરવા જાહેર અપીલ પણ કરી છે.
વિશ્વભરના સનાતનીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા પૂજ્ય પ્રેમાનંદ મહારાજની સુરક્ષા અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવીને ફલાહારી મહારાજે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ તાકીદે તેમને ઝેડ-પ્લસ (Z-Plus) શ્રેણીની સુરક્ષા પૂરી પાડવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. સાથે જ આશ્રમમાં ઘૂસેલા વેશધારી માફિયાઓ, જમીન કૌભાંડ અને શિષ્યના મોતના રહસ્ય પરથી પડદો ઉંચકવા સમગ્ર મામલાની તપાસ સીબીઆઈ (CBI) ને સોંપવાની સ્પષ્ટ માંગણી કરી છે.