હૈદરાબાદમાં જન્મેલા પ્રેમ વત્સા આજે કેનેડાના સૌથી મોટા રોકાણકારોમાં ગણાય છે. હવે તેમની કંપની ફેરફેક્સ ફાઇનાન્સિયલ IDBI બેંકનો 60.72% હિસ્સો 52,878 કરોડ રૂપિયામાં ખરીદવા જઈ રહી છે. આ સોદા સાથે ભારતના બેંકિંગ ક્ષેત્રમાં ફેરફેક્સની હાજરી ઘણી મજબૂત બનશે.
પ્રેમ વત્સાનો જન્મ 1950માં હૈદરાબાદમાં થયો હતો. ભણવામાં તેજસ્વી વત્સાએ 1971માં IIT મદ્રાસથી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી. પિતાની સલાહ માનીને તેઓ વધુ અભ્યાસ માટે કેનેડા ગયા અને યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટારિયોની બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું.
કેનેડા પહોંચ્યા ત્યારે તેમની પાસે માત્ર 8 ડોલર હતા. નવા દેશમાં પગભર થવું સહેલું નહોતું. ભણવાની સાથે ખર્ચ કાઢવા માટે તેમણે ઘરે-ઘરે ફરીને હોમ એપ્લાયન્સ વેચવાનું કામ કર્યું. આ સંઘર્ષના દિવસોએ તેમને બજારની સમજ અને વ્યવસાયિક દૃષ્ટિ આપી.
1974માં તેમણે કન્ફેડરેશન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં સ્ટોક પોર્ટફોલિયો મેનેજર તરીકે નોકરી શરૂ કરી, જ્યાં વીમા અને રોકાણના જોખમો વિશે ઊંડું જ્ઞાન મળ્યું. 1984માં તેમણે પોતાની રોકાણ કંપની હેમ્બલિન વત્સા ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ શરૂ કરી. 1985માં કેનેડાની એક નાની વીમા કંપની ખરીદીને તેનું નામ ફેરફેક્સ ફાઇનાન્સિયલ રાખ્યું. લાંબા ગાળાના રોકાણ અને ભવિષ્યની સંભાવના જોતાં તેમને 'કેનેડાના વોરેન બફેટ' કહેવામાં આવે છે. 30 જૂન 2026 સુધીમાં ફેરફેક્સની કુલ સંપત્તિ 109.1 બિલિયન ડોલર થઈ છે.
ફેરફેક્સ ગ્રૂપ ભારતમાં પહેલેથી સક્રિય છે. તેમણે બેંગલુરુ એરપોર્ટ મેનેજમેન્ટ, થોમસ કૂક ઇન્ડિયા, IIFL કેપિટલ સર્વિસીસ, વીમા કંપની ગો ડિજિટ અને CSB બેંકમાં મોટું રોકાણ કર્યું છે. 2018માં તેમણે નિયમનકારી મંજૂરી સાથે CSB બેંકમાં 51% હિસ્સો ખરીદ્યો હતો.
IDBI બેંકના સોદામાં કેન્દ્ર સરકાર અને LIC સંયુક્ત રીતે તેમનો 60.72% હિસ્સો વેચી રહ્યા છે. આ માટે ફેરફેક્સની પેટાકંપની '10955230 કેનેડા ઇન્ક.'ને સરકારની મંજૂરી મળી ગઈ છે. આ સોદા માટે કોટક મહિન્દ્રા અને એમિરેટ્સ NBD જેવી બેંકોએ પણ દાવો કર્યો હતો, પણ ફેરફેક્સે 52,878 કરોડ રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવીને જીત મેળવી. કંપનીએ પ્રતિ શેર 75.99 રૂપિયાના બેન્ચમાર્ક સામે 81 રૂપિયાની બોલી લગાવી હતી.
IDBI બેંકનું કદ ઘણું મોટું છે. 2025-26માં બેંકનો ચોખ્ખો નફો 27% વધીને 9,513 કરોડ રૂપિયા થયો. બેંક 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય કરે છે અને દેશભરમાં તેની 2,174 શાખાઓ અને 3,011 ATM છે. સામે, ફેરફેક્સની CSB બેંકનો વ્યવસાય જૂન 2026ના ક્વાર્ટરમાં 86,282 કરોડ રૂપિયા હતો. IDBI મળવાથી ભારતના બેંકિંગ ક્ષેત્રમાં ફેરફેક્સ મોટો પાયો જમાવી શકશે. આ સોદાને RBIની ફિટ-એન્ડ-પ્રોપર્ટી મંજૂરીની જરૂર પડશે. ઉલ્લેખનીય છે કે 2019માં LICએ 21,624 કરોડ રૂપિયા ચૂકવીને IDBIમાં હિસ્સો વધાર્યો હતો.