સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રેમ કીટાણું રિવ્યૂ: વીર પહાડિયાની ફિલ્મમાં હાસ્ય, પ્રેમ અને જીવનનો સંઘર્ષ, જાણો કેવી છે

પ્રેમ કીટાણું રિવ્યૂ: વીર પહાડિયાની ફિલ્મમાં હાસ્ય, પ્રેમ અને જીવનનો સંઘર્ષ, જાણો કેવી છે

કૉલેજમાં કોઈના પર દિલ આવી જાય તો લાગે કે વાર્તા એટલી જ છે. પણ ક્યારેક પ્રેમ પૂરો થાય તે પહેલા નવો વળાંક આવે છે અને એ જ વાર્તા ચાર વર્ષ પછી એક અલગ દુનિયામાં પાછી આવે છે. ફિલ્મ 'પ્રેમ કીટાણું' આ પ્રેમ, મિત્રતા અને જિંદગીના બદલાતા રંગોને હળવા અંદાજમાં રજૂ કરે છે. ફિલ્મ હસાવે છે, પોતાની સાથે જોડાયેલી લાગે છે અને વચ્ચે-વચ્ચે જિંદગીની થોડી કડવી સચ્ચાઈ પણ બતાવે છે.

ફિલ્મની વાર્તા: વાર્તા ઉત્તરપ્રદેશના બનારસ (વારાણસી)ની એન્જિનિયરિંગ કૉલેજથી શરૂ થાય છે. ઍડમિશન દરમિયાન વિશાલ ઠાકુર (વીર પહાડિયા) અને સુહાની (આફિયા સૈયદ) પહેલી વાર એકબીજાની સામે આવે છે. પહેલી મુલાકાત નોકઝોકમાં બદલાઈ જાય છે અને બંને એકબીજાને શ્રાપ આપી બેસે છે કે ચાર વર્ષ સુધી વિશાલની કોઈ ગર્લફ્રેન્ડ નહીં બને અને સુહાનીનો કોઈ બોયફ્રેન્ડ નહીં હોય. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મુખ્યત્વે યુવાનોના કૉલેજ જીવનની આસપાસ ગૂંથવામાં આવ્યું છે. તેનું નિર્માણ ગૌરવ વર્માએ કર્યું છે.

ત્યાર બાદ બંને અલગ-અલગ કૉલેજમાં જતા રહે છે. ચાર વર્ષના કૉલેજ જીવન દરમિયાન વિશાલના જીવનમાં પ્રેમનું આગમન તો થાય છે, પરંતુ વાત પૂર્ણ થઈ શકતી નથી. બીજી તરફ સુહાની પોતાનો અભ્યાસ અને ત્યારબાદ કારકિર્દી તરફ આગળ વધે છે.

ચાર વર્ષ બાદ બંનેનું જીવન કૉલેજમાંથી બહાર નીકળી નોકરીની દુનિયામાં પહોંચી ચૂક્યું છે. સુહાનીને સારી નોકરી મળે છે, જ્યારે વિશાલને કારકિર્દી અને જીવનના પોતાના સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. ત્યાર બાદ બંનેની મુલાકાત થાય છે અને અહીંથી જૂની વાર્તા નવા સંજોગોમાં ફરી શરૂ થાય છે. ફિલ્મ માત્ર એ નથી પૂછતી કે બંને પ્રેમમાં પડશે કે નહીં, પરંતુ એ પણ જુએ છે કે સમય સાથે બદલાયેલા બે લોકો ફરી એકબીજાના જીવનમાં જગ્યા બનાવી શકશે કે નહીં. આ સાથે મિત્રતા, પરિવાર અને જવાબદારીઓ વાર્તાને થોડી વધુ વિસ્તૃત બનાવે છે.

અભિનય: વીર પહાડિયા વિશાલના પાત્રમાં સહજ લાગે છે. કૉલેજના મસ્તમૌલા છોકરાથી લઈને જીવનની મુશ્કેલીઓ સામે ઝઝૂમતા યુવાન સુધી, તે પાત્રમાં આવતા પરિવર્તનને સ્વાભાવિક રાખે છે. આફિયા સૈયદની આ પહેલી ફિલ્મ છે અને તે સુહાનીના પાત્રમાં તાજગીભરી લાગે છે. વીર સાથેની તેની નોકઝોક અને કેમિસ્ટ્રી ફિલ્મના રોમેન્ટિક ભાગોમાં સારી લાગે છે. નિર્માતા સાજિદ નાડિયાદવાલાની ભત્રીજી આફિયા સૈયદ આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળે છે.

નિખિલ વિજય ફિલ્મનો જીવ છે. મગન અરોડાની ભૂમિકા ભજવતી વખતે તેની કોમિક ટાઇમિંગ, પંચ અને વીર સાથેની નોકઝોક ઘણી જગ્યાએ જબરદસ્ત મજા કરાવે છે. વાર્તા જ્યાં થોડી ધીમી પડે છે, ત્યાં નિખિલ ફરીથી માહોલ ગરમ કરી દે છે. અપારશક્તિ ખુરાનાએ પોતાના પાત્રને પૂરા અંદાજમાં ભજવ્યું છે અને તેને રસપ્રદ રાખ્યું છે. હા, પાત્રનું લેખન થોડું વધુ મજબૂત હોત તો તેના અભિનયની અસર વધુ વધી શકી હોત.

દિગ્દર્શન અને લેખન: અપૂર્વ સિંહ કાર્કીએ ફિલ્મને હળવી અને યુથફુલ રાખી છે. કૉલેજની મસ્તીથી લઈને નોકરી અને જવાબદારીઓભર્યા જીવન સુધી ટોન બદલાય છે, પરંતુ ફિલ્મ જરૂર કરતાં વધુ ગંભીર બનતી નથી. 'એક બંદા કાફી હૈ' માટે નેશનલ ફિલ્મ અવોર્ડ મેળવી ચૂકેલા લેખક દીપક કિંગરાણીએ સંબંધો, મિત્રતા અને કોમેડીને સહજ અંદાજમાં ગૂંથ્યા છે. સ્ક્રીનપ્લેની સારી વાત એ છે કે વાર્તા માત્ર રોમાન્સ પર આધારિત નથી. પરિવાર અને મિત્રતાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. હા, વચ્ચે ગતિ થોડી ધીમી પડે છે અને કેટલાક વળાંકો પહેલેથી જ અંદાજ લગાવી શકાય છે. ભાવનાત્મક ભાગોમાં થોડો વધુ ઠહેરાવ હોત તો વાર્તાની અસર વધુ વધી હોત.

ટેકનિકલ પાસું: ફિલ્મનું વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ રંગીન અને યુથફુલ છે. કૉલેજ અને બનારસનું વાતાવરણ વાર્તાને પોતાની અલગ ફીલ આપે છે. ફિલ્મમાં અપારશક્તિ ખુરાનાએ મજેદાર ભૂમિકા ભજવી છે.

સંગીત: 'કહો તો', 'તું મેરા રહિયો' અને 'ઈશ્ક કા ગુલામ' ફિલ્મના રોમેન્ટિક અને યુથફુલ મૂડને સારી રીતે સપોર્ટ કરે છે. ગીતો વાર્તાથી અલગ લાગતા નથી અને ફિલ્મની ફીલ જાળવી રાખે છે.

અંતિમ અભિપ્રાય: પ્રેમની મસ્તી, દોસ્તીની શરારત અને જિંદગીની થોડીક કડવી-મીઠી લાગણી – 'પ્રેમ કીટાણું' આ ત્રણેયનું સારું કોમ્બિનેશન છે. નિખિલ વિજય ખૂબ હસાવે છે, વીર અને આફિયાની જોડી પણ સારી જામે છે. થોડી કસાવટનો અભાવ જરૂર છે, પરંતુ આ ફિલ્મ હસવાનું અને કૉલેજના જૂના દિવસોને યાદ કરવાનું એક સારું બહાનું છે.