ભારતીય ઝડપી બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ શકે છે. 30 વર્ષીય આ પેસરને 4 નવેમ્બરથી શરૂ થનારી પાંચ મેચની સિરીઝની શરૂઆતની ત્રણ મેચ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ તેની પસંદગી ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, પ્રસિદ્ધ 1 અને 2 નવેમ્બરે મેચ સિમ્યુલેશન ટેસ્ટ આપશે. આ ટેસ્ટ બાદ જ તે મેચ રમી શકશે કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. તે હાલમાં BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)માં રિહેબિલિટેશન કરી રહ્યો છે.
પ્રસિદ્ધ 30 સપ્ટેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાનો શિકાર થયો હતો. ત્યારથી તે મેદાનથી બહાર છે. ટીમ મેનેજમેન્ટને આશા હતી કે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ સુધીમાં ફિટ થઈ જશે, પરંતુ તેની રિકવરી પર હજુ નજર રાખવામાં આવી રહી છે.
પ્રસિદ્ધે 22 ઑક્ટોબરે પણ મેચ સિમ્યુલેશન કર્યું હતું. હવે ફરી ટેસ્ટ થવાનો અર્થ એ છે કે તેની ફિટનેસ અને બોલિંગ કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન હજુ ચાલુ છે. CoEના અહેવાલ મુજબ તેની રિકવરીમાં પ્રગતિ સંતોષકારક રહી છે.
અહેવાલ મુજબ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચ માટે પ્રસિદ્ધને ઉપલબ્ધ રાખવા માગે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલની દોડમાં આ સિરીઝ મહત્વપૂર્ણ છે. તેથી ટીમ મેનેજમેન્ટ તેને વન-ડેમાં રમાડીને જોખમ લેવાનું ટાળી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે 4 નવેમ્બરે ઑકલેન્ડમાં રમાશે, બીજી 7 નવેમ્બરે અને ત્રીજી 10 નવેમ્બરે રમાશે. ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 19 નવેમ્બરથી વેલિંગ્ટનમાં અને બીજી 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.
જો પ્રસિદ્ધને ફિટનેસ ક્લિયરન્સ મળી જાય છે, તો તે 6થી 9 નવેમ્બર દરમિયાન ઈન્ડિયા-A અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે રમાનારી ત્રીજી અનઑફિશિયલ ટેસ્ટમાં પણ રમી શકે છે. જોકે, આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
BCCIએ 16 ઑક્ટોબરે જાહેર કરેલી વન-ડે ટીમમાં પ્રસિદ્ધની પસંદગી ફિટનેસ ક્લિયરન્સને આધીન રાખી હતી. બીજી તરફ, બે ટેસ્ટ મેચની ટીમમાં તેમના નામ સાથે આવી કોઈ શરત નહોતી. પ્રસિદ્ધે અત્યાર સુધી 9 ટેસ્ટ મેચમાં 32 વિકેટ ઝડપી છે.