સાઉથ સિનેમાના જાણીતા અભિનેતા પ્રકાશ રાજે હાલમાં જણાવ્યું છે કે તેમની કારકિર્દી દરમિયાન તેમના પર ટોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાંથી આઠ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વાત તેમણે NTV ના ટોક શો ‘પોઈન્ટ બ્લેન્ક’માં કહી. તેમણે એમ પણ કહ્યું કે પ્રતિબંધ અને બહિષ્કારની માંગણીઓથી ફિલ્મોની સફળતા અટકતી નથી.
પ્રકાશ રાજે ઉદાહરણ આપતાં કહ્યું, ‘જ્યારે હું KGFમાં કામ કરી રહ્યો હતો ત્યારે પણ કેટલાક લોકોને મારી હાજરીમાં વાંધો હતો. પણ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી. તેમણે કહ્યું હતું કે પ્રકાશ રાજને બેન કરો, તેમ છતાં દૃશ્યમ 3એ પણ સારી કમાણી કરી.’ તેમણે ઉમેર્યું કે ફિલ્મોને કોણ રોકી શકે? વધુમાં વધુ લોકો પોતાની ફિલ્મો રોકવાનો પ્રયાસ કરી શકે છે.
હાલમાં પ્રકાશ રાજ એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ ‘વારાણસી’માં કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલાક લોકો ફિલ્મમાં તેમની કાસ્ટિંગ સામે વિરોધ કરી રહ્યા છે અને રાજામૌલીને સવાલ પૂછી રહ્યા છે કે તેમને કેમ પસંદ કર્યા. જવાબમાં પ્રકાશ રાજે કહ્યું, ‘હું હાલમાં વારાણસીમાં કામ કરી રહ્યો છું. X પર લોકો રાજામૌલીને પૂછી રહ્યા છે કે તેમણે મને કેમ કાસ્ટ કર્યો. હવે તેને કોણ બેન કરી શકશે?’ તેમના મતે જે દર્શકોએ તેમનું કામ જોયું છે અને જેમને તેમનું અભિનય ગમે છે તેમને કોઈ તકલીફ નથી, તેથી સોશિયલ મીડિયા વિરોધને તેઓ વધુ મહત્ત્વ આપતા નથી.
ટોક શોમાં જ્યારે હોસ્ટે પૂછ્યું કે બિનવ્યાવસાયિક વર્તનને કારણે ટોલિવૂડમાં આઠ વાર પ્રતિબંધ મુકાયો હતો? ત્યારે તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો, ‘શું એવું જીવન જીવવું સારું નથી જેમાં દરેક વ્યક્તિ એકસરખી ન હોય? પ્રામાણિકતાથી જીવવું અને તેની મુશ્કેલીઓનો સામનો કરવો એ જ મારી ઓળખ છે. તેમાં ખોટું શું છે?’ તેમણે ઉમેર્યું, ‘મેં કોઈ ગુનો કે ચોરી કરી છે? મારા કામના આધારે મારો નિર્ણય કરો. હું જેલમાં નથી કે નક્કી કરેલા સમયે આવું અને જાઉં. કલાકારની કામ કરવાની રીત અલગ હોય છે.’
રિપોર્ટ મુજબ પ્રકાશ રાજ 2008માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાંથી પ્રતિબંધિત થનારા પ્રથમ અભિનેતા બન્યા હતા. તેમની સામે મુખ્ય ફરિયાદો શૂટિંગના સમયપત્રક મુજબ સમયસર ન પહોંચવા અને શૂટિંગ દરમિયાન ગેરહાજર રહેવા અંગેની રહી છે. ‘જલસા’, ‘કાંતરી’ અને ‘પરુગુ’ જેવી ફિલ્મોના નિર્માતાઓએ પણ તેમની સાથે કામ કરતી વખતે સહકાર ન મળવા અને સેટ પર સમાધાન ન કરવાની ફરિયાદ કરી હતી. પ્રકાશ રાજ આ આરોપોને પોતાની કામ કરવાની રીત અને વ્યસ્ત સમયપત્રક સાથે જોડીને જુએ છે. કેટલાક લોકોએ તેમને બહારના ગણાવ્યા છે કારણ કે તેમનો જન્મ કર્ણાટકમાં થયો હતો.
ઉલ્લેખનીય છે કે 2021માં પ્રકાશ રાજે મૂવી આર્ટિસ્ટ્સ એસોસિયેશન (MAA)ના અધ્યક્ષપદની ચૂંટણી લડી હતી, જેને લઈને પણ વિવાદ થયો હતો.