સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રકાશ ભટ્ટ ICC ઇમર્જિંગ પેનલમાં, ટેસ્ટ રેફરી બનનાર બીજા ભારતીય

પ્રકાશ ભટ્ટ ICC ઇમર્જિંગ પેનલમાં, ટેસ્ટ રેફરી બનનાર બીજા ભારતીય

સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન તથા BCCIના સિનિયર મેચ રેફરી પ્રકાશ ભટ્ટ આ વર્ષની શરૂઆતમાં ICCની પ્રથમ ઇમર્જિંગ મેચ રેફરી પેનલમાં સામેલ થયા છે. આ પેનલમાં વિશ્વભરમાંથી માત્ર ચાર મેચ રેફરી છે.

પ્રકાશ ભટ્ટ 2024થી ICC મેચ રેફરી અને 2008થી BCCI મેચ રેફરી તરીકે ફરજ બજાવે છે. તેમણે અત્યાર સુધીમાં 48 T20 આંતરરાષ્ટ્રીય, 6 વન-ડે, 4 મહિલા T20 અને 3 મહિલા વન-ડે મેચમાં રેફરી તરીકે સેવા આપી છે. આ વર્ષની શરૂઆતમાં ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં પણ તેમણે રેફરી તરીકે કામ કર્યું હતું.

હવે તેમણે ઇતિહાસ રચ્યો છે, કારણ કે ICCએ બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી માટે તેમની નિમણૂક કરી છે. પ્રથમ ટેસ્ટ આજથી ઢાકામાં શરૂ થઈ છે અને બીજી ટેસ્ટ 5 નવેમ્બરે સિલહટમાં રમાશે. જવાગલ શ્રીનાથ પછી ટેસ્ટ મેચમાં રેફરીંગ કરનારા તેઓ બીજા ભારતીય છે.

પ્રકાશ ભટ્ટનો જન્મ 1970માં ભાવનગરમાં થયો હતો. તેમણે સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યું છે. 51 ફર્સ્ટ ક્લાસ મેચમાં 39ની સરેરાશથી 3183 રન ફટકાર્યા છે, જેમાં 13 ફિફ્ટી અને 7 સદીનો સમાવેશ થાય છે. લિસ્ટ-Aમાં 38 મેચમાં 34ની સરેરાશથી 1007 રન બનાવ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે.

BCCIએ 2008માં તેમની મેચ રેફરી તરીકે નિમણૂક કરી હતી. 2018થી તેઓ IPLમાં પણ મેચ રેફરી તરીકે કાર્યરત છે અને અત્યાર સુધીમાં અનેક IPL મેચમાં ફરજ બજાવી છે.