ભારતના ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને સિનિયર પુરુષ રાષ્ટ્રીય પસંદગી સમિતિના સભ્ય તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હવે તેઓ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પસંદગીમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
પ્રજ્ઞાન ઓઝાનો જન્મ 5 સપ્ટેમ્બર 1986ના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં થયો હતો. તેમના પિતા મહેશ્વર ઓઝા રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારી છે, જ્યારે માતા બિદુલાતા ઓઝાએ સાહિત્યમાં એમ.એ. કર્યું છે. 16 મે 2010ના રોજ તેમણે કરબી બરાલ સાથે લગ્ન કર્યા. કરબી કૈલાશ ચંદ્ર બરાલ અને ચંચલા નાયકની પુત્રી છે, જે બંને ઈંગ્લિશ એન્ડ ફોરેન લેંગ્વેજીસ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક છે.
ઓઝાએ 10 વર્ષની ઉંમરે ક્રિકેટમાં પ્રવેશ કર્યો. ત્યારે તેઓ ડી.એ.વી. પબ્લિક સ્કૂલ, ચંદ્રશેખરપુરમાં અભ્યાસ કરતા હતા અને ભુવનેશ્વરની શહીદ સ્પોર્ટિંગ ક્લબ ખાતે સાસાંગ એસ. દાસના માર્ગદર્શન હેઠળ સમર કેમ્પમાં જોડાયા. 14 વર્ષની વયે તેઓ અભ્યાસ માટે હૈદરાબાદ ગયા અને ત્યાં કોચ ટી. વિજય પોલના માર્ગદર્શન હેઠળ ક્રિકેટને કારકિર્દી તરીકે અપનાવી. ત્યારથી તેઓ પરિવાર સાથે હૈદરાબાદમાં રહે છે.
તેમણે 2004-05માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું અને અંડર-19 સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. 2006-07ની રણજી ટ્રોફીમાં તેમણે 6 મેચમાં 19.89ની સરેરાશથી 29 વિકેટ ઝડપી. 2004થી 2016 સુધી તેમણે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન અને ત્યારબાદ થોડી સીઝન ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ વતી સ્થાનિક ક્રિકેટમાં રમ્યા. IPLમાં તેમણે ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યા.
સ્થાનિક ક્રિકેટ અને IPLની શરૂઆતની સીઝનમાં સફળતાને પગલે 2008માં તેમની બાંગ્લાદેશ પ્રવાસ અને એશિયા કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં પસંદગી થઈ. 28 જૂન 2008ના રોજ કરાચીમાં બાંગ્લાદેશ સામે તેમણે પ્રથમ વન-ડે રમી, જેમાં 43 રન આપીને 2 વિકેટ લીધી. 6 જૂન 2009ના રોજ બાંગ્લાદેશ સામેની T20 ડેબ્યુમાં તેમણે 4 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ ઝડપી અને મેન ઓફ ધ મેચ બન્યા. 24 નવેમ્બર 2009ના રોજ કાનપુરમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં અમિત મિશ્રાના સ્થાને તેમણે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી.
16 નવેમ્બર 2013ના રોજ પ્રજ્ઞાન ઓઝાની કારકિર્દીની છેલ્લી મેચ હતી, જે સચિન તેંડુલકરની પણ છેલ્લી મેચ હતી. આ મેચમાં તેમણે 10 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા. તે પછી તેમની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ નહીં. 24 ટેસ્ટમાં તેમણે માત્ર 89 રન બનાવ્યા, પરંતુ રન કરતાં વધુ વિકેટ ઝડપી. તેઓ 2010નો એશિયા કપ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતા અને મુથૈયા મુરલીધરનની ઐતિહાસિક 800મી ટેસ્ટ વિકેટ બન્યા હતા. 21 ફેબ્રુઆરી 2020ના રોજ તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.