ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને વચગાળાના ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલના ચીફ સિલેક્ટર અજિત અગરકરનો બીસીસીઆઈ સાથેનો કરાર 4 ઓક્ટોબરે પૂરો થાય છે. ત્યાં સુધી ઓઝા આ જવાબદારી સંભાળશે.
અગરકરના વિકલ્પની પસંદગી ન થાય ત્યાં સુધી ઓઝા ચીફ સિલેક્ટર રહેશે. ચર્ચા એવી પણ છે કે પાર્થિવ પટેલને કાયમી ચીફ સિલેક્ટર બનાવવામાં આવી શકે છે, પરંતુ અધિકૃત જાહેરાત થઈ નથી.
ગુવાહાટીમાં પસંદગીકારોની બેઠક મંગળવારે યોજાઈ હતી. ચારેય પસંદગીકારોએ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી પર ચર્ચા કરી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રજ્ઞાન ઓઝાએ કરી હતી.
40 વર્ષીય ઓઝાએ ભારત માટે 24 ટેસ્ટમાં 113 વિકેટ, 18 વનડેમાં 21 વિકેટ અને 6 ટી20માં 10 વિકેટ લીધી છે. 16 નવેમ્બર 2013ના રોજ સચિન તેંડુલકરની છેલ્લી મેચમાં ઓઝા પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા, જે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પણ હતી.
અજિત અગરકર 2023માં ચીફ સિલેક્ટર બન્યા હતા. તેમના કાર્યકાળમાં ભારતે 2024 ટી20 વર્લ્ડકપ, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી, 2026 વર્લ્ડકપ, 2023 અને 2025 એશિયા કપ તેમજ 2023 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2023 વર્લ્ડકપની ફાઈનલ સુધી ટીમ પહોંચી હતી અને રોહિત શર્મા-વિરાટ કોહલીની ટી20 કારકિર્દી પૂર્ણ થઈ હતી.