ભારતના પૂર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અજિત અગરકરની જગ્યા લેશે. આ ઉપરાંત, પુરુષ ટીમની સિલેક્શન કમિટીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં અજિત અગરકરની જગ્યાએ પૂર્વ ભારતીય સ્પિનર રમેશ પવારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી પસંદગી સમિતિમાં પ્રજ્ઞાન ઓઝા (ચેરમેન), શિવ સુંદર દાસ, આરપી સિંહ, અજય રાત્રા અને રમેશ પવાર સામેલ છે.
પ્રજ્ઞાન ઓઝાએ ભારત માટે 24 ટેસ્ટ, 18 વનડે અને 6 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ડાબોડી સ્પિનર ઓઝાએ ટેસ્ટમાં 113, વનડેમાં 21 અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 10 વિકેટ લીધી છે. ટેસ્ટમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 6/47 રહ્યું છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રજ્ઞાનના નામે કુલ 424 વિકેટ નોંધાયેલી છે. આ માટે તેમણે 108 મેચ રમી છે. 2018માં તેમણે બિહાર માટે ઉત્તરાખંડ સામે પોતાની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આઈપીએલમાં તેઓ ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યા હતા. જોકે, 2015થી તેઓ આઈપીએલની કોઈ ટીમનો હિસ્સો નથી. આઈપીએલમાં તેમણે કુલ 92 મેચ રમી અને 89 વિકેટ મેળવી છે.
રમેશ પવારે ભારત માટે બે ટેસ્ટ અને 31 વનડે મેચ રમી છે. તેઓ મુંબઈના પૂર્વ ભારતીય સ્પિનર છે. આ ઉપરાંત, તેઓ બે અલગ-અલગ કાર્યકાળ દરમિયાન ભારતીય સિનિયર મહિલા ટીમના મુખ્ય કોચની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. રમેશ પવારે 10 નવેમ્બર 2015ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે પહેલીવાર 2018માં આ જવાબદારી સંભાળી હતી અને ત્યારબાદ મે 2021માં તેમને ફરીથી આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. પવારનો સૌથી ચર્ચિત વિવાદ 2018 મહિલા T-20 વર્લ્ડ કપ દરમિયાન કેપ્ટન મિતાલી રાજ સાથે થયો હતો. મિતાલીએ તેમના પર ભેદભાવ કરવાનો, અપમાનિત કરવાનો અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે મિતાલીને ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાંથી બહાર કરી દેવામાં આવી, ત્યારબાદ પવારને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
BCCI મુજબ, ક્રિકેટ એડવાઇઝરી કમિટીમાં અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપે સામેલ હતા. સમિતિએ BCCI મુખ્યાલયમાં અરજદારોની સ્ક્રીનિંગ અને ઇન્ટરવ્યૂ કર્યા. ત્યારબાદ રમેશ પવારના નામ પર મહોર લગાવવામાં આવી.