સત્ય. સાહસ. સંકલ્પ.

પોસ્ટ ઓફિસ RD યોજના: રોજના 500 રૂપિયા બચાવીને 25 લાખનું ભંડોળ કેવી રીતે ઊભું કરવું?

પોસ્ટ ઓફિસ RD યોજના: રોજના 500 રૂપિયા બચાવીને 25 લાખનું ભંડોળ કેવી રીતે ઊભું કરવું?

આજના સમયમાં દરેક વ્યક્તિ ભવિષ્યની નાણાકીય જરૂરિયાતો માટે પૂરતું ભંડોળ ઊભું કરવા ઈચ્છે છે. આ માટે લોકો સુરક્ષિત અને ઉત્તમ વળતર આપતા રોકાણ વિકલ્પો શોધે છે. આમાં ભારત સરકાર દ્વારા સંચાલિત પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ લોકપ્રિય છે, કારણ કે તેમાં મૂડીની 100 ટકા સુરક્ષાની ખાતરી સરકાર આપે છે.

પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) યોજના નાની બચત દ્વારા મોટું ભંડોળ ઊભું કરવાનો વિકલ્પ આપે છે. હાલમાં આ યોજના પર 6.7 ટકાનો વાર્ષિક વ્યાજ દર મળે છે. માત્ર 100 રૂપિયાના નજીવા રોકાણથી કોઈપણ વ્યક્તિ નજીકની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. ગ્રાહકોને સિંગલ અથવા જોઈન્ટ ખાતું ખોલાવવાનો વિકલ્પ પણ મળે છે.

યોગ્ય આયોજનથી આ યોજનામાંથી મોટી રકમ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, રોજના 500 રૂપિયા (દર મહિને 15,000 રૂપિયા) ની બચત કરવાથી 25 લાખ રૂપિયાથી વધુનું ભંડોળ ઊભું થઈ શકે છે.

આરડી યોજનાની પાકતી મુદત 5 વર્ષની છે. 5 વર્ષ સુધી દર મહિને 15,000 રૂપિયા જમા કરવાથી કુલ જમા રકમ 9 લાખ રૂપિયા થશે. તેના પર 6.7 ટકા દરે લગભગ 1,70,492 રૂપિયાનું વ્યાજ મળશે, અને 5 વર્ષના અંતે કુલ ભંડોળ 10,70,492 રૂપિયા થશે.

રોકાણકારો પાકતી મુદત પૂર્ણ થયા પછી ખાતાને વધુ 5 વર્ષ માટે લંબાવી શકે છે. જો તમે 25 લાખ રૂપિયાનું લક્ષ્ય રાખો છો, તો રોકાણ 10 વર્ષ સુધી ચાલુ રાખવું પડશે. 10 વર્ષમાં 18 લાખ રૂપિયાની કુલ જમા થશે અને વ્યાજની કમાણી 7,62,822 રૂપિયા થશે. આમ, 10 વર્ષના અંતે કુલ 25,62,822 રૂપિયા મળશે. શૂન્ય જોખમે નાની બચતથી મોટું ભંડોળ ઊભું કરવાનો આ સારો વિકલ્પ છે.