સત્ય. સાહસ. સંકલ્પ.

પોસ્ટ ઓફિસ RD સ્કીમ: રોજ 200 રૂપિયા બચાવો, 10 વર્ષમાં 10 લાખનો ફંડ

પોસ્ટ ઓફિસ RD સ્કીમ: રોજ 200 રૂપિયા બચાવો, 10 વર્ષમાં 10 લાખનો ફંડ

સુરક્ષિત રોકાણ અને સારા વળતરની વાત કરીએ તો પોસ્ટ ઓફિસની સરકારી સ્કીમ્સ લોકપ્રિય છે. આ સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં નાની બચત કરીને પણ મોટું ભંડોળ એકઠું કરી શકાય છે. આવી જ એક યોજના છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ.

આ સ્કીમમાં દરરોજ માત્ર 200 રૂપિયા બચાવીને 10 લાખ રૂપિયાનું ભંડોળ બનાવી શકાય છે. ખાસ વાત એ છે કે 3 લાખ રૂપિયાથી વધુની કમાણી માત્ર વ્યાજમાંથી થાય છે.

પોસ્ટ ઓફિસની યોજનાઓ સરકારી હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે. રોકાણ નાનું હોય કે મોટું, સુરક્ષાની ગેરંટી સરકાર આપે છે. આ ઉપરાંત આ સ્કીમમાં મળતું વ્યાજ ઘણી બેંકોની FD કરતાં વધુ છે.

પોસ્ટ ઓફિસ RD સ્કીમમાં એકસાથે મોટી રકમ રોકવાની જરૂર પડતી નથી. તમે દરરોજ નાની બચત કરીને પણ મોટું ભંડોળ એકઠું કરી શકો છો. આ યોજના મ્યુચ્યુઅલ ફંડની SIP જેવી રીતે કામ કરે છે. તેમાં 100 રૂપિયાથી ખાતું ખોલાવીને રોકાણની શરૂઆત કરી શકાય છે.

પોસ્ટ ઓફિસ RD સ્કીમ પર સરકાર 6.7 ટકા વ્યાજ આપે છે. તમે 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે કે જેટલું વધુ રોકાણ, તેટલો વધુ નફો.

આ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ ખોલાવી શકાય છે, જ્યારે પતિ-પત્ની મળીને જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. રોકાણનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો છે અને તે પૂર્ણ થયા બાદ રોકાણને આગામી 5 વર્ષ માટે લંબાવવાની સુવિધા પણ છે.

રોકાણ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો કોઈ મહિને હપ્તો સમયસર જમા ન કરાવો, તો દર મહિને 1% દંડ લાગે છે. જો સતત 4 હપ્તા ચૂકી જાઓ, તો RD એકાઉન્ટ બંધ થઈ જાય છે.

પોસ્ટ ઓફિસ RD કેલ્ક્યુલેટર મુજબ, જો તમે દરરોજ 200 રૂપિયા બચાવો તો મહિનામાં 6,000 રૂપિયા થાય. 5 વર્ષના મેચ્યોરિટી પિરિયડમાં કુલ રોકાણ 3,60,000 રૂપિયા થશે અને વ્યાજ સહિત 4,28,197 રૂપિયા મળશે. હવે આ રકમને બીજા 5 વર્ષ માટે લંબાવો. આમ કરવાથી કુલ જમા રકમ 7,20,000 રૂપિયા થશે, જ્યારે વ્યાજ 3.05 લાખ રૂપિયા થશે. આ રીતે કુલ ફંડ 10,26,131 રૂપિયા થઈ જશે.