સુરક્ષિત રોકાણ અને સારા વળતરની શોધમાં હોય ત્યારે ભારતીય પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ લોકોની પહેલી પસંદ રહી છે. આ યોજનાઓમાં નાનું રોકાણ પણ ભવિષ્યમાં મોટી બચત બની શકે છે. આમાં પોસ્ટ ઓફિસની 'કિસાન વિકાસ પત્ર' (KVP) યોજના ખૂબ લોકપ્રિય છે, જે નક્કી કરેલા સમયગાળામાં રકમ બમણી કરવાની ગેરંટી આપે છે. જો તમે ₹5 લાખનું રોકાણ કરીને ₹10 લાખ મેળવવા માંગતા હોવ, તો આ યોજની વિગતો જાણવી જરૂરી છે.
શૂન્ય જોખમ અને સરકારી સુરક્ષા
પોસ્ટ ઓફિસની યોજનાઓ સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ રોકાણોની સલામતીની ખાતરી આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કિસાન વિકાસ પત્ર યોજના 'ઝીરો રિસ્ક સેવિંગ સ્કીમ' છે, જેમાં પૈસા ડૂબવાની કે ગુમાવવાની શક્યતા નથી. સામાન્ય લોકો માટે આ વિશ્વસનીય અને સુરક્ષિત નાણાકીય સાધન છે.
વ્યાજ દર અને પાકતી મુદત
સરકાર કિસાન વિકાસ પત્ર પર આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે. હાલમાં આ યોજના પર વાર્ષિક 7.5% ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. રોકાણની પાકતી મુદત 115 મહિના એટલે કે 9 વર્ષ અને 7 મહિના છે. રોકાણકારોએ આ સમયગાળા માટે એક જ વાર રોકાણ કરવાનું રહે છે. આ યોજનામાં માત્ર ₹1,000 ના પ્રારંભિક રોકાણથી ખાતું ખોલાવી શકાય છે, અને મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી.
₹5 લાખથી ₹10 લાખ થવાની ગણતરી
આ યોજનામાં પૈસા કેવી રીતે બમણા થાય છે તે સરળ છે. વ્યાજ ચક્રવૃદ્ધિ (કમ્પાઉન્ડિંગ) પદ્ધતિથી ગણાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર ₹5 લાખનું રોકાણ કરે, તો પ્રથમ વર્ષે 7.5% પ્રમાણે આશરે ₹37,000 વ્યાજ મળે, જેથી વર્ષના અંતે કુલ રકમ ₹5.37 લાખ થાય. પોસ્ટ ઓફિસ KVP કેલ્ક્યુલેટર મુજબ, બીજા વર્ષે ₹5.77 લાખ, પાંચમા વર્ષે ₹7.17 લાખ, આઠમા વર્ષે ₹8.91 લાખ અને 115 મહિના પૂરા થતાં ₹10 લાખ થાય છે.
ખાતું ખોલાવવાની શરતો
કિસાન વિકાસ પત્ર હેઠળ કોઈપણ વ્યક્તિ વ્યક્તિગત અથવા સંયુક્ત ખાતું ખોલાવી શકે છે. માતા-પિતા 10 વર્ષથી વધુ ઉંમરના સગીર બાળકના નામે પણ ખાતું ખોલાવી શકે છે. નજીકની પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકમાં ઑફલાઇન કે ઑનલાઇન ખાતું ખોલાવી શકાય છે. ધ્યાનમાં રાખો કે પ્રારંભિક રોકાણની તારીખથી 30 મહિના (2.5 વર્ષ) પૂરા થયા પહેલાં નાણાં ઉપાડી શકાતા નથી.