સત્ય. સાહસ. સંકલ્પ.

પોસ્ટ વિભાગના કર્મચારીઓને દિવાળી બોનસ: 60 દિવસના પગાર સમાન, મહત્તમ ₹13,816 મળશે

પોસ્ટ વિભાગના કર્મચારીઓને દિવાળી બોનસ: 60 દિવસના પગાર સમાન, મહત્તમ ₹13,816 મળશે

કેન્દ્ર સરકારે પોસ્ટ વિભાગના કર્મચારીઓ માટે નાણાકીય વર્ષ 2025-26ના પરફોર્મન્સ લિંક્ડ બોનસ (PLB)ની જાહેરાત કરી છે. સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ વિભાગે 16 ઑક્ટોબર 2026ના રોજ આ અંગેનો આદેશ બહાર પાડ્યો છે.

આદેશ મુજબ પાત્ર કર્મચારીઓને 60 દિવસ એટલે કે બે મહિનાના પગાર જેટલું બોનસ આપવામાં આવશે. ગણતરી માટે સરકારે મહત્તમ પગાર મર્યાદા ₹7,000 પ્રતિ મહિને નક્કી કરી છે. એટલે કે કોઈ કર્મચારીનો મૂળ પગાર અને ભથ્થાં મળીને આથી વધુ હોય તો પણ ગણતરી ₹7,000 પર જ થશે. આ મુજબ એક કર્મચારીને મહત્તમ ₹13,816 સુધીનું બોનસ મળી શકે છે.

આ બોનસનો લાભ ગ્રુપ ‘સી’, નોન-ગેઝેટેડ ગ્રુપ ‘બી’ અને MTS કર્મચારીઓને મળશે. ઉપરાંત ગામડાં અને ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા ગ્રામીણ ડાક સેવકો (GDS) તથા ફુલ-ટાઇમ અને હંગામી કેઝ્યુઅલ મજૂરોને પણ આનો લાભ મળશે.

બોનસની ગણતરીનું સૂત્ર સરળ છે: (સરેરાશ પગાર × 60 દિવસ) ÷ 30.4. અહીં 30.4ને મહિનાના સરેરાશ દિવસો તરીકે ગણવામાં આવે છે. નિયમિત કર્મચારીઓ માટે મૂળ પગાર, મોંઘવારી ભથ્થું (DA), એસબી ભથ્થું, ડેપ્યુટેશન ભથ્થું અને તાલીમ ભથ્થું સાથે ગણવામાં આવશે. ગ્રામીણ ટપાલ સેવકો માટે TRCA અને મોંઘવારી ભથ્થાની આખા વર્ષની સરેરાશ ગણાશે; આ રકમ ₹7,000થી વધુ હોય તો પણ મર્યાદા ₹7,000 જ રહેશે.

1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 વચ્ચે નિવૃત્ત થયેલા, રાજીનામું આપેલા અથવા બીજા વિભાગમાં બદલી થયેલા કર્મચારીઓને પણ તેમણે કરેલા કામના દિવસોના પ્રમાણમાં બોનસ મળશે. જો કોઈ કર્મચારીએ પગાર વિનાની અસાધારણ રજા (EOL) લીધી હોય અથવા કોઈ સમયગાળો ‘ડાઇઝ-નોન’ (કામ પર ગેરહાજર) ગણાયો હોય, તો તેટલા દિવસોના પ્રમાણમાં બોનસમાંથી રકમ કપાશે.

બીજી જગ્યાએ હંગામી રૂપે કામ કરતા (સબ્સ્ટિટ્યુટ) પોસ્ટ કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે નહીં. વર્ષની મધ્યમાં ભરતી થયેલા અથવા વર્ષ દરમિયાન નોકરી છોડી દેનાર કર્મચારીને જેટલા મહિના કામ કર્યું હોય તેટલા પ્રમાણમાં જ બોનસ મળશે.