સત્ય. સાહસ. સંકલ્પ.

પોરબંદરમાં પિતાએ દીકરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, હાઈકોર્ટે માતા અને વકીલને ઝાટકણી કાઢી

પોરબંદરમાં પિતાએ દીકરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, હાઈકોર્ટે માતા અને વકીલને ઝાટકણી કાઢી

પોરબંદરના મરીન પોલીસ મથકમાં ચાલુ વર્ષે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેની 17 વર્ષીય સગીર દીકરી પર તેના પતિએ દુષ્કર્મ આચર્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

ત્યારબાદ આરોપી પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં પોતાની પત્નીની સહમતીથી ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. મહિલાએ એફિડેવિટમાં જણાવ્યું કે આવી કોઈ ઘટના બની જ નથી. જોકે, પોલીસે સગીરાના ગર્ભનો DNA રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો, જેમાં ગર્ભનો DNA તેના પિતા સાથે મેચ થયો હતો. આ સાબિત થયું કે ઘટના બની છે અને આરોપી તેનો પિતા જ છે.

આ જોઈને હાઈકોર્ટ ધૂંઆપૂંઆ થઈ ગઈ અને ફરિયાદી માતા તથા વકીલોની ઝાટકણી કાઢી. કોર્ટે કહ્યું કે ખરેખરમાં ફરિયાદી મહિલા સામે જ પોલીસે ફરિયાદ કરવાની જરૂર છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે 'તેના જેવી માતા દીકરીને મળે તેના કરતાં તેની મા જ ન હોય તે વધારે સારું છે'.

અરજદાર અને ફરિયાદી વતી ઉપસ્થિત થયેલા વકીલોની પણ ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું કે 'ફક્ત પૈસા મેળવવા માટે કોઈપણ કામ કરાય નહીં. એક વકીલ તરીકે તમારી પણ કેટલીક જવાબદારીઓ હોય છે.'

સરકારી વકીલે રજૂઆત કરી કે આરોપી સામે કુલ 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તે ગુજસીટોકમાં પણ આરોપી છે. આખરે ફરિયાદી માતા નીચું મોઢું નાખીને ઝડપથી કોર્ટ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા.

આ અગાઉ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકે 43 વર્ષીય આરોપી સામે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટની પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી રહેલા કેસમાં જજ એ.બી. ભટ્ટે સરકારી વકીલ કે.જી. જૈનની દલીલો, 7 સાક્ષીઓ અને 27 પુરાવાઓને ધ્યાનમાં લઈને આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી હતી. ટ્રાયલ દરમિયાન પીડિતા અને તેની માતા બંને પોતાના મૂળ નિવેદનથી ફરી ગયા હતા, પરંતુ કોર્ટે વૈજ્ઞાનિક પુરાવાને આધારે સજા ફટકારી હતી.