સત્ય. સાહસ. સંકલ્પ.

પૂજા ઝવેરીએ દીકરાનો ચહેરો દર્શાવ્યો, નામ 'એકાય' રાખ્યું

પૂજા ઝવેરીએ દીકરાનો ચહેરો દર્શાવ્યો, નામ 'એકાય' રાખ્યું

ગુજરાતી અભિનેત્રી પૂજા ઝવેરીએ 23 સપ્ટેમ્બરે દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની સફર અને દીકરાનો ચહેરો ન દેખાય તેવી તસવીરો શેર કરી હતી. હવે તેમણે દીકરાનો ચહેરો દર્શાવતી તસવીરો શેર કરી છે અને તેનું નામ 'એકાય' રાખ્યું છે.

પૂજાએ 14 ડિસેમ્બર, 2023ના રોજ અમેરિકાના બિઝનેસમેન ઈશાન સંઘવી સાથે મહારાષ્ટ્રના અલીબાગમાં મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે.

દીકરાનું નામ 'એકાય' રાખવા અંગે પૂજાએ જણાવ્યું કે તે સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ 'અદ્વિતીય' અથવા 'એક માત્ર' થાય છે. તસવીરો શેર કરતાં તેમણે ભાવનાત્મક સંદેશમાં લખ્યું, “એક નવા જીવનના પહેલા અઠવાડિયાની ઝલક. આ માત્ર દીકરાના જન્મનું ઉજવણી નથી, પરંતુ પુનર્જન્મ છે. લેબર પેઇન શરૂ થયા પહેલાંથી લઈને ત્યારબાદની ક્ષણોએ અમારી દુનિયા બદલી નાખી. દુનિયાભરમાં દર મિનિટે કેટલીય માતાઓ બાળકને જન્મ આપે છે, પરંતુ ક્યારેય કોઈ બે માતાઓની પ્રેગ્નન્સીની વાત એક સમાન હોતી નથી. અમારી વાત શક્તિ, સમર્પણ, શ્રદ્ધા અને અત્યાર સુધી અનુભવાયેલા અદ્ભુત પ્રેમની સફર હતી. લાંબા ચાલેલા લેબર પેઇને તે દિવસે બે વ્યક્તિને જન્મ આપ્યો – એક અમારા બાળકને અને બીજું મારા તદ્દન નવા સ્વરૂપને.”

તેમણે વધુમાં કહ્યું, “સૌથી મુશ્કેલ ઘડીઓમાં ડૉક્ટર્સ અને નર્સે અમને સંભાળ્યા, તે બદલ તેમનો આભાર. સાચે જ દુનિયામાં દેવદૂતનું અસ્તિત્વ હોય છે. મારો દીકરો મારા માટે આશીર્વાદ અને હૃદયનો ટુકડો છે. હવે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે. અમે રોજેરોજ સુંદર જીવનને સમજતા શીખીશું. એક જન્મ, એક પુનર્જન્મ અને હંમેશાં અમારી સાથે યાદો રહેશે...”

હોસ્પિટલમાં દીકરાના જન્મ બાદ પૂજા ખુશખુશાલ ચહેરે જોવા મળી હતી. ડિલિવરી બાદ તેઓ હેલ્ધી ફૂડ લઈ રહ્યા છે અને ઘરે આવ્યા બાદ પતિ ઈશાન અને દીકરા સાથે તેમની તસવીરો સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે વલસાડમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી પૂજા પછીથી પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થઈ હતી અને ત્યાં જ તેમણે અભ્યાસ કર્યો. 2015માં તેમણે તેલુગુ ફિલ્મ 'બમ બોલેનાથ'થી અભિનયની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું. 2019માં પૂજાએ ગુજરાતી સિનેમામાં 'મિસ્ટર કલાકાર'થી ડેબ્યૂ કર્યું. ત્યારબાદ 2022માં 'ગજબ થઈ ગયો', 2023માં '21 દિવસ' અને ગયા વર્ષે 2025માં મલ્હાર ઠાકર સાથેની ફિલ્મ 'વંદે ભારત વાયા USA'માં જોવા મળી હતી.