સત્ય. સાહસ. સંકલ્પ.

₹519 કરોડના દાન કૌભાંડમાં સ્વતંત્રતા પાર્ટીના અધ્યક્ષ સુરેન્દ્ર તિવારીના આગોતરા જામીન નામંજૂર

₹519 કરોડના દાન કૌભાંડમાં સ્વતંત્રતા પાર્ટીના અધ્યક્ષ સુરેન્દ્ર તિવારીના આગોતરા જામીન નામંજૂર

અમદાવાદમાં ₹519 કરોડના રાજકીય દાન કૌભાંડમાં 'સ્વતંત્રતા અભિવ્યક્તિ રાજકીય પાર્ટી'ના અધ્યક્ષ સુરેન્દ્ર પરસોતમપ્રકાશ તિવારીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સેશન્સ જજ વી.એ. ધાધલે આ અરજી પર સુનાવણી કરીને આ આદેશ આપ્યો હતો.

કોર્ટે અવલોકન કર્યું કે આરોપીએ દેશના અર્થતંત્રને ₹155 કરોડનું મોટું નુકસાન પહોંચાડ્યું છે. આરોપી અને સહઆરોપીઓએ મળીને ટેક્સ ચોરીમાં મદદ કરવા માટે બનાવટી રાજકીય પાર્ટી બનાવી હતી અને ઓનલાઈન દાન મેળવ્યું હતું. આ દાનમાંથી પોતાનું કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં પરત કરવામાં આવતી હતી, જેથી દાન કરનારને ઇન્કમ ટેક્સમાંથી 100 ટકા રાહત મળે.

કોર્ટે વધુમાં નોંધ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ દેશના અર્થતંત્ર સાથે છેડછાડ કરે તો તે ગંભીર બાબત છે. આવા સિન્ડિકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે તે શોધવા માટે આરોપીની પૂછપરછ ખૂબ જરૂરી છે. આરોપીને ખોટી રીતે આ ગુનામાં સંડોવવામાં આવ્યો હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જણાતું નથી. કારણ કે આરોપીના ખાતામાં મોટા પ્રમાણમાં દાનની રકમ આવી છે, જે દર્શાવે છે કે તેણે ટેક્સ ચોરીમાં મદદ કરવા માટે રાજકીય પાર્ટી બનાવી હતી. આ પાર્ટીનું જમીન પર કોઈ અસ્તિત્વ જણાતું નથી, એટલે કે તે રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી નથી. તેથી સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ આ પાર્ટીને આટલી મોટી રકમ દાનમાં ન આપે. રાષ્ટ્રીય પાર્ટીને પણ આટલી મોટી રકમ મળતી નથી. તેથી આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરવો ન્યાયોચિત નથી.

આ કેસમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે આરોપીએ રાજકીય પાર્ટીના નામે દાન મેળવીને ટેક્સ પેયરોને ટેક્સમાંથી મુક્તિ અપાવવાનું કૌભાંડ કર્યું છે. દાનની રકમ આરોપીએ તેના સાથીઓના ખાતામાં નાખી અને પછી હવાલા મારફતે રોકડ પાછી મેળવીને મોટું કમિશન લીધું છે. આરોપીએ વર્ષ 2023 થી 2025 દરમિયાન ₹519 કરોડનું દાન મેળવીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. તેથી આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેવી જોઈએ.