સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકીય પક્ષોને કાળા નાણાંનું ડોનેશન આપનારા સામે પણ કાર્યવાહી, 80 હજારની યાદી CID ક્રાઈમને મળી

રાજકીય પક્ષોને કાળા નાણાંનું ડોનેશન આપનારા સામે પણ કાર્યવાહી, 80 હજારની યાદી CID ક્રાઈમને મળી

ગાંધીનગર, અમદાવાદ અને વિદ્યાનગરમાં નોંધાયેલી ચાર રાજકીય પાર્ટીઓના 2,283 કરોડ રૂપિયાના કાળા નાણાંને સફેદ કરવાના કૌભાંડનો ઈન્કમટેક્સ વિભાગે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં હવે ડોનેશન આપનારા લોકો સામે પણ કાર્યવાહી થશે.

સીઆઈડી ક્રાઈમે ઈન્કમટેક્સ વિભાગ પાસેથી રાજકીય પાર્ટીઓને ડોનેશન આપનારા 80 હજારથી વધુ લોકોની યાદી મેળવી છે અને તપાસ શરૂ કરી છે. આ યાદીમાં બિલ્ડરો, રાજકારણીઓ અને મોટા વેપારીઓ પણ સામે આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરત સહિતના શહેરો તેમજ અન્ય રાજ્યોમાં રહેતા લોકો પણ આ યાદીમાં સામેલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 2,283 કરોડ રૂપિયાના આ મોટા કૌભાંડની તપાસ માટે સીઆઈડી ક્રાઈમ અને ઈન્કમટેક્સ વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ડોનેશન આપનારાઓને પણ આરોપી બનાવવામાં આવશે. ખાસ કરીને ઈન્કમટેક્સ તેમની સામે ટેક્સ ચોરીની કાર્યવાહી કરશે, જ્યારે પોલીસ ગુનામાં ધરપકડ સુધીની કાર્યવાહી કરી શકે છે.

હાલમાં ચોક્કસ રકમ સુધીનું ડોનેશન આપનારાઓની યાદી અલગ તારવીને તેમની પૂછપરછ કરવામાં આવશે. આ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સીઆઈડી ક્રાઈમ પોલીસ અધિકારીઓની ટીમ પણ તૈયાર કરશે અને અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવામાં આવશે, કારણ કે અન્ય રાજ્યોમાંથી પણ ડોનેશનની રકમ આવી હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ, ઈન્કમટેક્સ વિભાગના અન્ય રાજકીય પક્ષો પણ તપાસના દાયરામાં હોવાનું સામે આવ્યું છે. જે અંગે રિપોર્ટ તૈયાર થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.