પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના રાવલકોટમાં ગુરુવારે પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે.
યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP)એ આરોપ લગાવ્યો છે કે સુરક્ષા દળોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ભારે મશીનગનો અને ડ્રોનથી હુમલો કર્યો. આ ઘટના અંગે હજુ સુધી પાકિસ્તાની અધિકારીઓનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
UKPNP મુજબ, પાકિસ્તાની સુરક્ષાદળોએ મટિયાલમેરા બસ ટર્મિનલ, ઉમર ફારૂક ચોક અને રાવલકોટના અન્ય સ્થળોએ ચાલી રહેલા ધરણાં પર કાર્યવાહી કરી. પાર્ટીએ આરોપ લગાવ્યો કે સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાની સાથે ડ્રોનથી પણ હુમલા કર્યા. આ દરમિયાન ભારે મશીનગનો અને બખ્તરબંધ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો.
PoKમાં 7 જૂનથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન સતત વધતું જઈ રહ્યું છે. ગુરુવારે 7 લોકોનાં મોત બાદ આ આંદોલનમાં જીવ ગુમાવનારાઓની કુલ સંખ્યા 153 થઈ ગઈ છે. આંદોલનની શરૂઆત સ્થાનિક લોકોના રાજકીય અધિકારો અને આર્થિક સમસ્યાઓને લઈને થઈ હતી. હવે પ્રદર્શનકારીઓ પાકિસ્તાની સુરક્ષાદળોનું પરત ફરવું અને પોતાના નેતાઓ સામે નોંધાયેલા કેસો રદ કરવાની માગ પણ કરી રહ્યા છે.
આંદોલનનાં 4 મોટાં કારણો:
1. વિધાનસભાની 12 આરક્ષિત બેઠકોનો વિવાદ: PoK વિધાનસભામાં કુલ 53 બેઠકો છે. તેમાંથી 12 બેઠકો પાકિસ્તાનમાં રહેતા કાશ્મીર મૂળના લોકો માટે અનામત છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે આ બેઠકોના માધ્યમથી પાકિસ્તાનની સરકાર PoKની રાજનીતિમાં દખલ કરે છે. તેમનું કહેવું છે કે આ બેઠકો પર સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ થતું નથી. 7 જૂને PoKની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ વિવાદ વધુ વકર્યો. અદાલતે કહ્યું હતું કે બંધારણીય ફેરફાર વિના આ બેઠકોને સમાપ્ત કરી શકાય નહીં.
2. વીજળી અને મંગલા ડેમનો મુદ્દો: PoKના મંગલા ડેમમાંથી મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થાય છે, પરંતુ સ્થાનિક લોકોનો આરોપ છે કે તેમને વીજળી મોંઘા ભાવે મળે છે. પ્રદર્શનકારીઓ ઇચ્છે છે કે ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળી સ્થાનિક લોકોને ઓછી કિંમતે આપવામાં આવે.
3. મોંઘવારી અને લોટની અછત: PoKમાં મોંઘવારી, મોંઘો લોટ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવોથી લોકો પરેશાન છે. પ્રદર્શનકારીઓની માગ છે કે વીજળીની સાથે લોટ પર પણ સબસિડી આપવામાં આવે, જેથી સામાન્ય પરિવારોને રાહત મળી શકે.
4. પાકિસ્તાની સુરક્ષાદળો પરત ફરે: પ્રદર્શનકારીઓની માગ છે કે આંદોલનને દબાવવા માટે તૈનાત પાકિસ્તાની રેન્જર્સ અને સેનાને પાછી બોલાવવામાં આવે. આ ઉપરાંત અવામી એક્શન કમિટીના નેતાઓ સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ નોંધાયેલા કેસો સમાપ્ત કરવાની માગ પણ કરવામાં આવી રહી છે.