પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)માં છેલ્લા 115 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં સોમવારે મંધોલ વિસ્તારમાં મોટી ગતિવિધિ જોવા મળી છે. લશ્કરી નિયંત્રણ રેખા (LoC)થી લગભગ 7 કિલોમીટર દૂર આવેલા મંધોલમાં લગભગ 25 હજાર લોકો એકત્ર થયા હતા. તેઓ ભારત તરફ જતો રસ્તો ખોલવાની માંગ કરી રહ્યા છે.
આંદોલનકારીઓએ પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જોઈન્ટ અવામી લીગ (જેએએલ)ના નેતાઓએ જાહેર કર્યું છે કે પાકિસ્તાન સરકારે પૂંછ અને મેંધરનો રસ્તો ખોલવો પડશે, જે ભારત તરફ જાય છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ ભારત સાથે જોડાવા માંગે છે. પાકિસ્તાની સરકારે પ્રદર્શનોને કારણે પીઓકેની પુરવઠા શૃંખલા કાપી નાખી છે, જેના કારણે લોકો પાસે લોટ અને અન્ય ખાદ્ય સામગ્રીની અછત સર્જાઈ છે.
પીઓકેના મુઝફ્ફરાબાદથી લોકો LoC પાસે એકત્ર થવા લાગ્યા છે. જેએએલના નેતાઓની અપીલ પર દરરોજ LoC પર ભીડ વધી રહી છે. લોકોનું કહેવું છે કે પાકિસ્તાની સરકારનું દમન તેમના ઇરાદાઓને ડગાવી શકશે નહીં. પાકિસ્તાને વર્ષોથી તેમના અધિકારો દબાવ્યા છે, પરંતુ હવે હદ થઈ ગઈ છે.
પીઓકેમાં ગુપ્તચર એજન્સી આઈએસઆઈની 'ડાલા બ્રિગેડ'ની જીપો, જેમાં લોકોને પકડીને લઈ જવામાં આવતા હતા, તે હવે નિષ્ફળ થઈ રહી છે. આઈએસઆઈના એજન્ટો પણ ગભરાવા લાગ્યા છે, કારણ કે પ્રદર્શનકારીઓ આ જીપો પર પથ્થરમારો કરે છે.
પાકિસ્તાની આર્મી ચીફ મુનીર માટે પીઓકેને પોતાના કબજામાં રાખવું જરૂરી છે. તેથી તેઓ ગુપ્ત રીતે પીઓકેમાં સૈનિકો મોકલી રહ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પાકિસ્તાની આર્મી પીઓકેમાં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ પોતાના સૈનિકોને ઉતારી શકતી નથી.
પાક આર્મી જેએએલના આંદોલનને કચડી નાખવામાં નિષ્ફળ રહી છે. પીઓકેની સ્થિતિ એવી છે કે ત્યાંના લોકો હવે પાક સરકારના અત્યાચારને વધુ સહન કરવાના નથી. પીઓકેનું ભવિષ્ય ઘણું અંશે લોકોના આંદોલનની તીવ્રતા પર નિર્ભર રહેશે. 1948ના આદિવાસી હુમલા દરમિયાન રચાયેલા પીઓકેના દોરને પણ બદલી શકાય છે.
પીઓકેમાં 27 જુલાઈએ સ્થાનિક લોકોના વિરોધ છતાં ચૂંટણી યોજાઈ હતી. પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન સેનાની સાથે સાંઠગાંઠ કરીને સરકાર બનાવવામાં સફળ રહી છે. પરંતુ સ્થિતિ એવી છે કે અહીંના કેબિનેટ સભ્યો આંદોલનકારીઓનો સામનો કરવામાં અચકાય છે.