પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (POJK)માં 24 ઓક્ટોબરથી વ્યાપક આંદોલનની તૈયારી ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC)એ આ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, કોટલીને આંદોલનનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જ્યાં વિશાળ જનસભાનું આયોજન કરાયું છે. તે જ દિવસે રાવલાકોટ અને અબ્બાસપુરમાં ચાલી રહેલા ધરણાં કોટલીની જનસભામાં જોડાશે, જ્યારે મુઝફ્ફરાબાદ અને મીરપુરમાં ચક્કાજામની તૈયારી છે.
વિસ્તારમાં ઇન્ટરનેટ અને સંચાર સેવાઓ હજુ સામાન્ય નથી. મુઝફ્ફરાબાદમાં લગભગ 136 દિવસ પછી ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે, પરંતુ પૂંછ અને કોટલીના કેટલાક ભાગોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ પરના પ્રતિબંધો યથાવત છે. તેના કારણે સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
JAACનું આંદોલન શરૂઆતમાં વીજળીના મોંઘા બિલ અને લોટના ભાવ જેવા આર્થિક મુદ્દાઓ પર કેન્દ્રિત હતું, પરંતુ હવે તેમાં નાગરિક અધિકારો, વહીવટી જવાબદારી અને વિધાનસભામાં રાજકીય પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓ પણ સામેલ થયા છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ચાલેલા અગાઉના આંદોલન દરમિયાન પાકિસ્તાની સેનાએ અંદાજે 150 આંદોલનકારીઓની હત્યા કરી હોવાનો અને 200થી વધુ મહિલાઓ અને યુવતીઓનું અપહરણ કરી લેવાનો આરોપ સુરક્ષા એજન્સીઓના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો છે. આ મહિલાઓની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
જો 24 ઓક્ટોબરના રોજ યોજાનારા આંદોલન પહેલાં પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ અને સ્થાનિક વહીવટ JAAC નેતૃત્વ સાથે નક્કર સમજૂતી નહીં કરે, તો વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર અને બેકાબૂ બની શકે છે.