પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદીના સહયોગી સંદીપ મિસ્ત્રીની સીબીઆઇએ ધરપકડ કરી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)થી પ્રત્યાર્પણ બાદ તેને સોમવારે ભારત લાવવામાં આવ્યો હતો અને મંગળવારે મુંબઈમાં ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી.
મિસ્ત્રીને વિશેષ સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એજન્સીએ તેની કસ્ટડીની માંગ કરી ન હતી, ત્યારબાદ અદાલતે તેને 6 ઓક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો છે.
આ ધરપકડ નવેમ્બર 2025માં વિશેષ અદાલત દ્વારા જારી કરવામાં આવેલા બિનજામીનપાત્ર વોરંટના આધારે કરવામાં આવી છે. સંદીપ મિસ્ત્રી નીરવ મોદીની હોંગકોંગ સ્થિત કંપની 'ફેન્સી ક્રિએશન્સ લિમિટેડ'માં ડિરેક્ટર રહી ચૂક્યો છે.
સીબીઆઇનો આરોપ છે કે, મિસ્ત્રીએ નીરવ મોદી અને અન્ય આરોપીઓ સાથે મળીને ગુનાહિત ષડયંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ષડયંત્ર હેઠળ પંજાબ નેશનલ બેંકને લગભગ રૂ. 6,498.20 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
સીબીઆઇએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, ભારતમાં કેસ નોંધાયા પછી મિસ્ત્રીએ નીરવ મોદીના ભાઈ નેહલ અને અન્ય એક વોન્ટેડ આરોપી સાથે મળીને દુબઈમાં નીરવ મોદી સાથે જોડાયેલી અલગ-અલગ કંપનીઓના ડમી ડિરેક્ટરોને ધમકાવ્યા હતા. તપાસ એજન્સી અનુસાર, આ કર્મચારીઓને ધરપકડના ડરથી દુબઈ છોડીને ઈજિપ્ત જવા મજબૂર કરવામાં આવ્યા હતા. આરોપીઓએ પુરાવા નાશ કરવા પોતાના મોબાઇલ ફોન પણ તોડી નાખ્યા હતા.
નીરવ મોદી, તેના મામા મેહુલ ચોક્સી અને અન્ય આરોપીઓ સામે વર્ષ 2018થી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહ્યું છે. આ કેસોની સીબીઆઇ પણ તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે, નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અન્ય લોકોએ બેંક અધિકારીઓની મિલીભગતથી 2 અબજ યુએસ ડૉલરથી વધુ (13 હજાર કરોડ રૂપિયાથી વધુ)નું બેંક કૌભાંડ આચર્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, મુંબઈ સ્થિત PNBની બ્રેડી હાઉસ શાખામાંથી બોગસ લેટર ઑફ અંડરટેકિંગ (LoU) જારી કરાવીને આ છેતરપિંડી કરવામાં આવી હતી.