સત્ય. સાહસ. સંકલ્પ.

PNBનું એલર્ટ: 10 નવેમ્બર પહેલાં ખાતું ચાલુ કરાવો, નહીં તો બંધ થશે

PNBનું એલર્ટ: 10 નવેમ્બર પહેલાં ખાતું ચાલુ કરાવો, નહીં તો બંધ થશે

પંજાબ નેશનલ બેંક (PNB)એ ગ્રાહકો માટે એક મહત્ત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે. બેંક 10 નવેમ્બર 2026 પછી લાંબા સમયથી વણવપરાયેલા અને શૂન્ય બેલેન્સવાળા ખાતા બંધ કરવાની તૈયારીમાં છે. આ પગલું ખાતાના દુરુપયોગને રોકવા અને સુરક્ષાના જોખમો ઘટાડવા માટે લેવામાં આવી રહ્યું છે.

બેંક બધા જ નિષ્ક્રિય ખાતા બંધ કરશે નહીં. ફક્ત એવા ખાતાઓ પર કાર્યવાહી થશે જે નીચેની બંને શરતો પૂરી કરતા હશે:

પહેલી શરત: 30 સપ્ટેમ્બર 2023 પછી ગ્રાહક તરફથી ખાતામાં કોઈ નાણાકીય કે બિન-નાણાકીય વ્યવહાર થયો ન હોય, એટલે કે ખાતું ત્રણ વર્ષથી વધુ સમયથી વપરાયું ન હોય.

બીજી શરત: ખાતામાં બેલેન્સ શૂન્ય હોય.

PNBની માર્ગદર્શિકા મુજબ, ખાતામાં સતત 24 મહિના સુધી કોઈ પ્રવૃત્તિ ન થાય તો તેને નિષ્ક્રિય (ઇનઓપરેટિવ) ગણવામાં આવે છે. પરંતુ ખાતું નિષ્ક્રિય થવું અને બેંક દ્વારા તેને બંધ કરી દેવું એ બે અલગ બાબતો છે. આ સૂચનામાં ફક્ત ત્રણ વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય અને શૂન્ય બેલેન્સવાળા ખાતાઓને બંધ કરવાનો સમાવેશ કરાયો છે.

ખાતાની સ્થિતિ કેવી રીતે તપાસવી

સૌથી પહેલા તમારા PNB ખાતાનું બેલેન્સ અને છેલ્લા વ્યવહારની તારીખ તપાસો. જો બેલેન્સ શૂન્ય હોય અને 30 સપ્ટેમ્બર 2023 પછી ખાતામાં કોઈ કામગીરી થઈ ન હોય, તો તરત જ બેંક શાખાનો સંપર્ક કરો.

ખાતું ફરી ચાલુ કરાવવાની રીત

ખાતું ફરી ચાલુ કરાવવા માટે ઓળખ અને સરનામાનો પુરાવો જમા કરાવવાનો રહેશે. તેમાં પાસપોર્ટ, મતદાર ઓળખકાર્ડ, આધાર કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી કોઈ એક આપી શકાય છે. કર સંબંધિત દસ્તાવેજોમાં પાન કાર્ડ અથવા ફોર્મ 60 રજૂ કરવાનું રહેશે. સાથે ખાતું ફરી ચાલુ કરવા માટે બેંકને એક વિનંતી પત્ર આપવો પડશે. બેંક જરૂરી ચકાસણી પૂરી કર્યા બાદ ખાતું ફરી ચાલુ કરી આપશે.

ગ્રાહક સહાય માટેના ટોલ-ફ્રી નંબર

ખાતું બંધ થવા અંગે કે તેને ફરી ચાલુ કરાવવા સંબંધિત કોઈ પણ પ્રશ્ન માટે ગ્રાહકો PNBના સત્તાવાર ટોલ-ફ્રી નંબર 1800-1800 અથવા 1800-2021 પર સંપર્ક કરી શકે છે.