પોતાનું ઘર હોય એ દરેક શહેરી પરિવારનું સપનું છે. આ સપનું પૂરું કરવામાં મદદ કરવા કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (PMAY 2.0) અમલમાં છે. આ યોજનાનો હેતુ શહેરી વિસ્તારમાં રહેતા આર્થિક રીતે નબળા અને પાત્ર પરિવારોને પાકું ઘર મળે તે માટે મદદ કરવાનો છે.
યોજના હેઠળ ચાર પ્રકારના લાભ આપવામાં આવે છે. જેમાં પોતાની જમીન પર ઘર બનાવવા માટે નાણાકીય સહાય, એજન્સીઓની મદદથી કિફાયતી ઘર, સસ્તા ભાડાના મકાન અને હોમ લોન પર વ્યાજ સબસિડીનો સમાવેશ થાય છે.
પોતાની જમીન હોય તો 1.50 લાખ રૂપિયાની સહાય
જે પરિવારો પાસે પોતાની જમીન છે, પણ પાકું મકાન બનાવવા માટે પૂરતા પૈસા નથી, તેમને સરકાર તરફથી નાણાકીય સહાય મળી શકે છે. પાત્ર લાભાર્થીને પાકું મકાન બનાવવા માટે 1.50 લાખ રૂપિયા સુધીની સહાય આપવાની જોગવાઈ છે.
જમીન ન હોય તો કિફાયતી ઘર
જે પરિવારો પાસે પોતાની જમીન નથી, તેમના માટે સરકાર ખાનગી કે જાહેર એજન્સીઓ સાથે મળીને કિફાયતી આવાસ તૈયાર કરશે. EWS કેટેગરીના પાત્ર લાભાર્થીઓને આ ભાગમાં પણ 1.50 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય મળી શકે છે.
સસ્તા ભાડાના મકાનની પણ વ્યવસ્થા
શહેરોમાં રોજગાર માટે આવતા પ્રવાસી શ્રમિકો અને અન્ય જરૂરિયાતમંદ લોકો માટે સસ્તા ભાડાના મકાનની વ્યવસ્થા કરવાનો પણ યોજનામાં સમાવેશ છે. તેનો હેતુ એવા લોકોને પોસાય તેવા ભાડે રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનો છે.
હોમ લોન પર 4% વ્યાજ સબસિડી
યોજનામાં પાત્ર લાભાર્થીઓ માટે હોમ લોન પર વ્યાજ સબસિડીની પણ જોગવાઈ છે. આપેલી વિગતો મુજબ 8 લાખ રૂપિયા સુધીની લોન પર વાર્ષિક 4 ટકાની વ્યાજ સબસિડી મળી શકે છે. ઉદાહરણ તરીકે, લોન પર 9 ટકા વ્યાજ હોય તો સબસિડી બાદ અસરકારક વ્યાજદર 5 ટકા થાય.
કોને મળશે લાભ?
યોજનામાં પાત્રતા માટે આવક અને મકાન માલિકી સંબંધિત શરતો લાગુ પડે છે. EWS પરિવાર માટે વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી હોવાની શરત છે. સાથે જ અરજદાર અથવા તેના પરિવારના કોઈ સભ્યના નામે ભારતમાં ક્યાંય પણ પાકું મકાન ન હોવું જોઈએ. જો પરિવારને અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું મકાન મળ્યું હોય, તો તે પરિવાર ફરી આ લાભ માટે પાત્ર ગણાશે નહીં. યોજના હેઠળ અંતિમ પાત્રતા અને લાભ સંબંધિત નિયમો સરકારની સત્તાવાર માર્ગદર્શિકા મુજબ નક્કી થશે.