સત્ય. સાહસ. સંકલ્પ.

સોલાર રૂફટોપ પર સબસિડી વધી: નાના ગ્રાહકોને ₹97,290 સુધીની સહાય, મહિને ₹2,000 બિલ ધરાવનારને સીધો લાભ

સોલાર રૂફટોપ પર સબસિડી વધી: નાના ગ્રાહકોને ₹97,290 સુધીની સહાય, મહિને ₹2,000 બિલ ધરાવનારને સીધો લાભ

ગાંધીનગર: વીજળીના વધતા ખર્ચ સામે રાહત આપવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર: મફત વીજળી યોજના હેઠળ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા પર મળતી સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે. નવા દર પ્રમાણે નાના વીજ ગ્રાહકોને 2.18 કિલોવોટ સુધીની સિસ્ટમ પર ₹97,290 સુધીની સબસિડી મળી શકે છે.

કોસ્ટન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર કૃણાલ પંચાલના જણાવ્યા અનુસાર, આ યોજના ખાસ કરીને એવા ગ્રાહકો માટે છે જેમનું દર મહિને વીજળીનું બિલ ₹1,500થી ₹2,000 સુધી આવે છે અને જેઓ અત્યાર સુધી સોલાર સિસ્ટમ લગાવવાનું ટાળતા હતા. આવા ગ્રાહકોને આ યોજનાનો સીધો લાભ મળી શકે છે.

અગાઉ 3 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી મળતી હતી. હવે નાના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને 2.18 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે વધારાની સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય કેટેગરીના ગ્રાહકોને આ સિસ્ટમ પર અગાઉ ₹63,240 મળતા હતા, જે હવે વધારીને ₹97,290 કરવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના ગ્રાહકો માટે આ રકમ વધારીને ₹1,02,695 કરવામાં આવી છે.

આમ, સામાન્ય કેટેગરીના ગ્રાહકોને અગાઉની સરખામણીએ ₹34,050 અને SC-ST કેટેગરીના ગ્રાહકોને ₹39,455નો વધારાનો લાભ મળશે.

અરજી કરવાની પ્રક્રિયામાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રાહકે સત્તાવાર પોર્ટલ https://pmsuryaghar.gov.in/ પર જઈને OTP દ્વારા લોગિન કરવાનું રહેશે અને પોતાની પસંદગીના વેન્ડરની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી કરી શકાશે. અરજી કર્યાના 45 દિવસમાં વેન્ડર ગ્રાહકનો સંપર્ક કરશે અને ત્યારબાદ સાત દિવસમાં ઘરે સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ લગભગ ત્રણ મહિનામાં સબસિડીની રકમ ગ્રાહકના બેંક ખાતામાં જમા થશે.

અરજી કરતી વખતે વીજળીના બિલમાં દર્શાવેલું નામ અને અન્ય જરૂરી દસ્તાવેજોમાં દર્શાવેલું નામ સરખું હોવું જોઈએ. નામમાં તફાવત હોય તો અરજીની પ્રક્રિયામાં મુશ્કેલી આવી શકે છે.

ગ્રાહકે શરૂઆતમાં વેન્ડર અથવા એજન્સીને સિસ્ટમની નક્કી થયેલી સંપૂર્ણ કિંમત ચૂકવવાની રહેશે. સિસ્ટમ લગાવ્યા બાદ અને મીટર લગાવવાની પ્રક્રિયા પૂરી થયા બાદ સબસિડીની પ્રક્રિયા આગળ વધશે અને મંજૂર થયેલી રકમ સરકાર દ્વારા સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

₹5,000 કે ₹10,000માં સોલાર સિસ્ટમ લાગી જશે એવી ચર્ચાને લઈને કૃણાલ પંચાલે સ્પષ્ટતા કરી છે કે આ રકમ દરેક કિસ્સામાં અંતિમ કિંમત નથી. આ રકમ સરકારના બેન્ચમાર્ક ખર્ચના સંદર્ભમાં સમજવી જોઈએ. એજન્સી અને વપરાતા કમ્પોનન્ટ પ્રમાણે સિસ્ટમની કુલ કિંમત અલગ હોઈ શકે છે. તેથી સોલાર લગાવતાં પહેલાં ગ્રાહકોએ કુલ ખર્ચ, સિસ્ટમની ક્ષમતા, વેન્ડરની વિગતો અને મળવાપાત્ર સબસિડી અંગે સ્પષ્ટ માહિતી મેળવી લેવી જોઈએ.