કેન્દ્ર સરકારની 'પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના' હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે મોટી સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લઈને તમે માત્ર વીજબિલ શૂન્ય જ નહીં, પરંતુ વધારાની વીજળી સરકારને વેચીને આવક પણ મેળવી શકો છો.
સોલાર સિસ્ટમની ક્ષમતા પ્રમાણે સબસિડી આપવામાં આવે છે. 1 કિલોવોટ (kW) સિસ્ટમ માટે ₹30,000, 2 kW માટે ₹60,000 અને 3 kW કે તેથી વધુ ક્ષમતા માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
યોજનાનો લાભ લેવા માટે અરજદારના નામે રહેણાંક મકાન પર ગ્રીડ-કનેક્ટેડ સક્રિય વીજ જોડાણ હોવું જરૂરી છે. છત પર પૂરતી ખુલ્લી અને છાંયડા વગરની જગ્યા હોવી જોઈએ. સોલાર પેનલ ફક્ત સરકારના નેશનલ પોર્ટલ પર નોંધાયેલા અધિકૃત વેન્ડર મારફતે જ લગાવવાની રહેશે. પેનલ લાગ્યા બાદ સ્થાનિક વીજ વિતરણ કંપની (DISCOM) દ્વારા તપાસ કરીને જ સબસિડી મંજૂર કરવામાં આવે છે.
અરજી કરવા માટે પીએમ સૂર્ય ઘર યોજનાના સત્તાવાર પોર્ટલ પર જઈને 'Apply for Rooftop Solar' વિકલ્પ પસંદ કરવો. રાજ્ય અને વીજ વિતરણ કંપની પસંદ કરી, કન્ઝ્યુમર નંબર અને વિગતો દાખલ કરવી. અધિકૃત વેન્ડર પસંદ કરીને સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવવી. ઇન્સ્ટોલેશન બાદ ડિસ્કોમ તપાસ કરીને નેટ-મીટર લગાવે છે. ત્યારબાદ કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ થાય છે અને સબસિડીની રકમ DBT મારફતે સીધી બેંક ખાતામાં જમા થાય છે.