પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દર વર્ષે 20 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે. મહિને આ રકમ 2 રૂપિયાથી પણ ઓછી થાય છે. કુદરતી આફત, અકસ્માત કે હત્યાના કેસમાં વીમો મળે છે, પણ આત્મહત્યાને કવર કરવામાં આવતી નથી.
આ એક વર્ષની મુદત ધરાવતી પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ યોજના છે, જે દર વર્ષે રિન્યૂ કરી શકાય છે. પ્રીમિયમ બેંક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાંથી વર્ષમાં એક વખત ઑટો-ડેબિટ દ્વારા કપાય છે. વીમાનો સમયગાળો 1 જૂનથી 31 મે સુધીનો હોય છે.
કોણ લઈ શકે છે લાભ?
બેંક કે પોસ્ટ ઓફિસમાં 18થી 70 વર્ષની ઉંમરના જે લોકોનું બચત ખાતું છે, તે બધા આ યોજનામાં જોડાઈ શકે છે. એક વ્યક્તિ પાસે એકથી વધુ બેંક ખાતાં હોય તો પણ તે ફક્ત એક જ ખાતા દ્વારા યોજનાનો લાભ લઈ શકે છે. સંયુક્ત ખાતાના કિસ્સામાં દરેક ખાતાધારકે અલગ 20 રૂપિયા પ્રીમિયમ ભરવું પડે છે. ભારતમાં આવેલી બેંકમાં ખાતું ધરાવતા NRI પણ આ વીમો લઈ શકે છે, પણ ક્લેમની રકમ ભારતીય રૂપિયામાં જ ચૂકવાશે.
ક્યારે બંધ થાય છે વીમો?
ખાતાધારકની ઉંમર 70 વર્ષ પૂરી થાય, બેંક કે પોસ્ટ ઓફિસનું ખાતું બંધ થાય, અથવા પ્રીમિયમ કપાવા માટે ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય તો વીમાનું કવર સમાપ્ત થાય છે.
ક્લેમ માટે શું જરૂરી?
માર્ગ, રેલવે કે વાહન અકસ્માત, ડૂબી જવું કે ગુનાહિત ઘટનામાં મૃત્યુ થાય તો પોલીસ રિપોર્ટ કે FIR જરૂરી છે. સાપ કરડવો કે ઝાડ પરથી પડી જવા જેવી ઘટનાઓમાં હોસ્પિટલના મેડિકલ રેકોર્ડના આધારે પણ ક્લેમ થઈ શકે છે. મૃત્યુના કિસ્સામાં નોમિની કે કાનૂની વારસદારને રકમ મળે છે, અને અપંગતાના કિસ્સામાં સીધા વીમિત ખાતાધારકને. હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ આ યોજના હેઠળ મળતો નથી. વીમો લેવા માટે કોઈ મેડિકલ તપાસની જરૂર પડતી નથી.
ક્યાંથી લેવો વીમો?
આ યોજનાનો લાભ બેંકની જે શાખામાં તમારું ખાતું છે ત્યાંથી લઈ શકાય છે. વીમા કંપનીઓ દ્વારા પણ આ વીમો કરાવી શકાય છે.