વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવશે. આ પહેલાં શહેરના દેખાવમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. જે રસ્તાઓ પર ખાડા હતા તેને સમારકામ કરીને સુંવાળા બનાવાયા છે. શહેરના સર્કલો, પુલો અને દીવાલો પર કલાત્મક ચિત્રો અને સ્વચ્છતાના સંદેશા દોરવામાં આવ્યા છે. આ ઉપરાંત રંગબેરંગી લાઈટોથી ઝાકમઝોળ કરવામાં આવી છે.
વડોદરા શહેરનો આ બદલાયેલો દેખાવ જોઈને ઘણા નાગરિકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. તેઓ પ્રશ્ન કરે છે કે શું કોઈ મહાનુભાવના આગમન પહેલાં જ શહેરની સફાઈ અને સૌંદર્યીકરણ થાય છે? શું VIP મુલાકાતો માટે જ આ બધું કામ કરવામાં આવે છે?
એમ.એસ. યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમ માટે 'બુક માય શો' પર નોંધણી 24 કલાકમાં પૂર્ણ થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન યુવાનો સાથે સંવાદ કરશે. કાર્યક્રમનું 4K ટેક્નોલોજીથી લાઈવ કવરેજ કરવામાં આવશે. આ માટે 'Y' આકારનો રેમ્પ પણ બનાવવામાં આવ્યો છે.
સુરક્ષાને લઈને 11 ડીસીપી, 17 એસીપી સહિત 2 હજારથી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા માટે પંડ્યા બ્રિજથી ફતેહગંજ થઈને જૂના વુડા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે અને વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે.