વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ વડોદરામાં રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, ત્યારબાદ નવસારીમાં ભાજપના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.
વડોદરાના MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાં PM મોદી 'નમો 4 વિકસિત ભારત' અંતર્ગત લગભગ 6,000 લોકોને સંબોધશે. આ કાર્યક્રમમાં ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી છે. સ્ટેજ સાથે 'Y' આકારનો રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેથી PM યુવાનોની નજીક જઈને સંવાદ કરી શકે.
કાર્યક્રમના આયોજનમાં ડિજિટલ પહેલ પણ જોવા મળી છે. પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેમાં 6,000થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ કવરેજ 4K ટેક્નોલોજીથી કરવામાં આવશે.
PM મોદીના આગમન પૂર્વે વડોદરા શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ફતેગંજ, કારેલીબાગ, VIP રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં આકર્ષક લાઈટિંગ કરવામાં આવી છે. સુરક્ષાના પગલા તરીકે ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 2,000થી વધુ જવાનો, 11 DCP અને 17 ACP તૈનાત રહેશે. સભા સ્થળ પર ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે.
વડોદરાના કાર્યક્રમ બાદ PM મોદી નવસારી પહોંચશે, જ્યાં તેઓ રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર થયેલા 'નમો કમલમ' કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ દેશનું પ્રથમ AI-સજ્જ જિલ્લા ભાજપ કાર્યાલય હોવાનું કહેવાય છે. આ કાર્યક્રમમાં 1,100 મહિલાઓ કળશ લઈને PMનું સ્વાગત કરશે, જ્યારે 500 લોકો ડમરું અને 100 લોકો ત્રાસા વગાડીને અભિવાદન કરશે.