વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (8 સપ્ટેમ્બર) વડોદરા આવી રહ્યા છે. આ પ્રસંગે તેઓ 35 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ કાર્યક્રમને 'નમો ફોર વિકસિત ભારત' નામ આપવામાં આવ્યું છે. કાર્યક્રમ સવારે 10:30 કલાકે યોજાશે.
કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને આ ઐતિહાસિક કાર્યક્રમનો ભાગ બનવા અને સીટ રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરી છે.
પ્રથમ વખત સરકારી કાર્યક્રમમાં પ્રવેશ માટે 'બુક માય શો' એપ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. 5 સપ્ટેમ્બરથી શરૂ થયેલું રજીસ્ટ્રેશન એક જ કલાકમાં પૂર્ણ થઈ ગયું હતું. લગભગ 36 હજાર લોકો રજીસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા. શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું કે જે લોકો રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી તેમને આગામી કાર્યક્રમોમાં સમાવવામાં આવશે.
સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ તંત્ર સજ્જ છે. પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં સુરક્ષા બેઠક યોજાઈ હતી. એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 11 ડીસીપી, 17 એસીપી અને લગભગ 2 હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. સંવેદનશીલ સ્થળો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને ટ્રાફિક ડાયવર્ઝનનું આયોજન કરવામાં આવ્યું છે.