નવી દિલ્હી: શિક્ષક દિનની પૂર્વસંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ટીચર્સ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે 7, લોક કલ્યાણ માર્ગ ખાતે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે શિક્ષકોને માત્ર પાઠ્યપુસ્તક અને સિલેબસ પૂરતા સીમિત ન રહેવા, પરંતુ બાળકોના જીવન, તેમની રુચિઓ અને પડકારોને નજીકથી સમજવા હાકલ કરી હતી.
વડાપ્રધાને જણાવ્યું કે, 'શિક્ષણ માત્ર પુસ્તકો અને વર્ગખંડ સુધી સીમિત ન રહી શકે. શિક્ષકોએ દરેક બાળકની અંદર રહેલી આગવી ક્ષમતાઓને પારખવી જોઈએ.' તેમણે એવા બાળકોની ક્ષમતાઓ ઓળખવા પર ભાર મૂક્યો જેઓ અભ્યાસમાં હોંશિયાર ન હોય. PM મોદીએ કહ્યું, 'જરૂરી નથી કે દરેક બાળક ભણવામાં અગ્રેસર હોય. ઈશ્વરે દરેક વ્યક્તિને કોઈને કોઈ વિશેષ શક્તિ, હુનર કે તાકાત આપી હોય છે. શિક્ષકોએ તે છુપાયેલા ગુણને ઓળખીને યોગ્ય દિશા આપવાની જવાબદારી નિભાવવી જોઈએ.'
વડાપ્રધાને બાળપણની નિર્દોષતા, જિજ્ઞાસા અને સર્જનાત્મકતાને જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, 'જ્યારે શિક્ષક બાળકની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે છે, ત્યારે બાળકનો સકારાત્મક માનસિક વિકાસ થાય છે.' તેમણે સૂચન કર્યું કે બાળકો ડિજિટલ ઉપકરણોથી દૂર રહે તે માટે તેમને રમતગમત, શારીરિક પ્રવૃત્તિઓ અને સર્જનાત્મક કાર્યો તરફ પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી તેમની કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્યો વિકસે.
આ વાતચીતમાં વર્ગખંડ બહારના મુદ્દાઓ જેવા કે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ વિશે પણ ચર્ચા થઈ. એક શિક્ષકે મહિલાઓમાં પ્રાથમિક તપાસ અને જાગૃતિ ફેલાવવાના કામ વિશે જણાવ્યું. વડાપ્રધાને શિક્ષકોને બાળકોના વર્તનમાં ફેરફારો પ્રત્યે સજાગ રહેવા અને તેમના પડકારો સમજવા વિનંતી કરી.