નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)ના શતાબ્દી સમારોહમાં પહોંચ્યા હતા. 13 વર્ષ બાદ આ કોલેજમાં આવેલા પીએમએ યુવાનોને સંબોધિત કરતાં કહ્યું કે આપણા 140 કરોડ લોકો મળીને વિકસિત ભારતને શક્ય બનાવશે.
પીએમ મોદીએ Gen-Z ની ભાષામાં પૂર્વ વિદ્યાર્થીઓની પ્રશંસા કરતાં કહ્યું, "તમારી ભાષામાં કહું તો, પૂર્વ વિદ્યાર્થીઓ OG (ઓરિજિનલ ગેંગસ્ટર - જૂના ખેલાડી) છે. તેઓ ભલે ધુરંધર ન હોય, પરંતુ તેમણે દુનિયાભરમાં ધૂમ મચાવી છે." તેમણે 2013માં કેદારનાથની આફત, 2008માં બેંકિંગ સંકટ અને મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને જૂના સમયની સરકારની નિષ્ફળતા ગણાવી.
વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં કોવિડ, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન યુદ્ધ જેવા પડકારો આવ્યા, પરંતુ દેશની જનતાની તાકાતથી દુશ્મનોની મંશા પૂરી ન થઈ. "મોદી માઈ-બાપ કલ્ચર પસંદ કરનારાઓ સામે ખડકની જેમ ઊભો છે. મારામાં હિંમત છે, તેથી જ હું મારું રિપોર્ટ કાર્ડ તમારી સામે લઈને આવ્યો છું," એમ તેમણે ઉમેર્યું.
તેમણે વિરોધીઓ પર પરોક્ષ પ્રહાર કરતાં કહ્યું કે દેશમાં કેટલાક લોકો 'નારાજ ફુઆ' જેવા છે, જેઓ દરેક કામમાં સવાલ ઉઠાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન, યુપીઆઈ, નવી સંસદ જેવા પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આવા લોકો દેશની પ્રગતિ રોકી શક્યા નથી.
આર્થિક સુધારાની વાત કરતાં પીએમએ કહ્યું કે 2014 પહેલા ગામડાના લોકોને બેંક ખાતું ખોલાવવું મુશ્કેલ હતું, પરંતુ જનધન યોજનાથી 60 કરોડ નવા ખાતા ખુલ્યા. તેમણે કહ્યું કે આજે ભારત આર્થિક અને સામાજિક રીતે વધુ સુરક્ષિત છે. "2013માં દુનિયા ભારતને ફ્રેજાઈલ ફાઈવમાં ગણતી હતી, પણ આજે ભારત દુનિયાની મોટી અર્થવ્યવસ્થા છે," એમ તેમણે કહ્યું.
યુવાનોના ભવિષ્ય અંગે તેમણે કહ્યું કે ભારત રિસર્ચ અને ઇનોવેશનનું હબ બનશે, પોતાનું સ્પેસ સ્ટેશન હશે અને ભારત મોટી ઓલિમ્પિક્સનું આયોજન કરશે. તેમણે 2013માં મેટ્રોમાં મુસાફરી કરીને કાર્યક્રમમાં આવવાની યાદ પણ તાજી કરી હતી. આ પ્રસંગે 100 રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો.