સત્ય. સાહસ. સંકલ્પ.

પીએમ મોદીનો પગાર: ગુજરાતના સીએમથી વડાપ્રધાન સુધી કેટલો વધ્યો?

પીએમ મોદીનો પગાર: ગુજરાતના સીએમથી વડાપ્રધાન સુધી કેટલો વધ્યો?

નરેન્દ્ર મોદીએ લગભગ 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું અને મે 2014માં દેશના વડાપ્રધાન બન્યા. પદ બદલાતાં તેમના પગારમાં પણ ફેરફાર થયો છે. આજે તેમના 76માં જન્મદિવસ નિમિત્તે જાણીએ કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને કેટલો પગાર મળતો હતો અને વડાપ્રધાન બન્યા પછી કેટલો થયો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2014માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમનો માસિક પગાર ₹58,521 હતો. તે સમયે તેમનો વાર્ષિક પગાર ₹7,02,260 હતો. મુખ્યમંત્રીને ફક્ત પગાર જ નહીં, પરંતુ પદ મુજબ વિવિધ ભથ્થાં અને સરકારી સુવિધાઓ પણ મળતી હોય છે.

હવે વડાપ્રધાન તરીકે તેમનો મૂળ માસિક પગાર ₹1,00,000 છે. ઉપરાંત, દર મહિને ₹3,000 આતિથ્ય ભથ્થું મળે છે. સાથે સરકારી રહેઠાણ, મુસાફરી અને અન્ય સત્તાવાર સુવિધાઓ પણ મળે છે.

આંકડાની તુલના કરીએ તો, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો માસિક પગાર ₹58,521 હતો અને વડાપ્રધાન તરીકેનો મૂળ માસિક પગાર ₹1,00,000 થયો છે. એટલે કે દર મહિને ₹41,479નો વધારો થયો છે. સરળ શબ્દોમાં કહીએ તો, નરેન્દ્ર મોદીના માસિક મૂળ પગારમાં લગભગ ₹41,500નો ઉછાળો આવ્યો છે.

ટકાવારીમાં ગણતરી કરીએ તો નવા પગારમાંથી જૂનો પગાર બાદ કરીને જૂના પગારના 100 વડે ભાગીએ. આ પ્રમાણે પગારમાં 70.87 ટકાનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદીનો 76મો જન્મદિવસ છે. દેશભરમાં તેમના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. ઉજ્જૈનમાં 25 લાખ દીવડા પ્રગટાવવાનું આયોજન છે, તો વડનગરથી વારાણસી સુધી બાઇક રેલી યોજાઈ છે. ભાજપે આ પ્રસંગે એક મહિના સુધી ચાલનારું 'સેવા સંકલ્પ અભિયાન' શરૂ કર્યું છે, જેમાં રક્તદાન શિબિરોથી લઈને દીવા પ્રગટાવવા સુધીના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગર અને અમદાવાદમાં ત્રણ કાર્યક્રમોમાં ભાગ લેશે. સવારે 9:30 વાગ્યે વડનગરથી બાઇક યાત્રા શરૂ થશે, જેને અમિત શાહ લીલી ઝંડી આપશે. સવારે 9 વાગ્યે તેઓ શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહા આરતીમાં ભાગ લેશે, પદયાત્રા અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે તથા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ પણ હાજર રહેશે.

અમિત શાહ સાંજે 6 વાગ્યે અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરની મુલાકાત લેશે અને સાંજે 6:30 વાગ્યે કાંકરિયા તળાવ ખાતે 'આશીર્વાદ કા દિયા' કાર્યક્રમમાં ભાગ લેશે. બંને બાઇક યાત્રાઓ 40,000 કિલોમીટરનું અંતર કાપશે, જે 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 ગામડાઓમાંથી પસાર થઈને 7 ઓક્ટોબરે સમાપ્ત થશે.