વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરે એશિયન ગેમ્સ 2026ના ભારતીય મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત વડાપ્રધાન આવાસ ખાતે યોજાશે. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના સૂત્રોએ આ માહિતી આપી છે.
આઇચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ 85 મેડલ જીત્યા છે. તેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું છે.
વડાપ્રધાન મોદી અગાઉ પણ ઘણા પ્રસંગોએ ભારતીય ખેલાડીઓને મળ્યા છે. છેલ્લે 9 ઑગસ્ટે તેમણે તેમના નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી હતી.
ભારતે તીરંદાજી, બોક્સિંગ, શૂટિંગ, હોકી, ક્રિકેટ, કુશ્તી, કબડ્ડી, એથ્લેટિક્સ અને ગોલ્ફ સહિત અનેક રમતોમાં મેડલ જીત્યા છે. ભારતીય તીરંદાજોએ 5 ગોલ્ડ સહિત 9 મેડલ જીત્યા, જ્યારે બોક્સરોએ 3 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ સહિત 6 મેડલ જીત્યા.
ક્રિકેટમાં ભારતીય મહિલા અને પુરુષ બંને ટીમે ગોલ્ડ જીત્યો. હોકી અને કબડ્ડીમાં પણ ભારતની બંને ટીમો ચેમ્પિયન બની.
5 ખેલાડીઓએ મેડલની હેટ્રિક લગાવી છે, જ્યારે 23 ખેલાડીઓએ 2-2 મેડલ જીત્યા છે. ભારતને સૌથી વધુ ડબલ મેડલ એથ્લેટિક્સમાં મળ્યા. તીરંદાજી અને શૂટિંગના 5-5 ખેલાડીઓએ બે મેડલ જીત્યા, જ્યારે સ્ક્વોશના ચાર ખેલાડીઓ અને ગોલ્ફની પ્રણવી ઉર્સને 2 મેડલ મેળવ્યા.