વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વડોદરા ખાતે ₹35,000 કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ મહત્વના વિભાગો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ ત્રણ સેક્શન શરૂ થવાથી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું પશ્ચિમી નેટવર્ક તેની સંપૂર્ણ લંબાઈ સાથે કાર્યરત થઈ ગયું છે.
પીએમ મોદીએ WDFCના સાણંદ (ઉત્તર)-મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે-જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) સેક્શનનું લોકાર્પણ કર્યું છે. આ ત્રણેય સેક્શનની કુલ લંબાઈ 326 રૂટ કિલોમીટર છે અને તેને ₹20,700 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યા છે.
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ઉત્તર પ્રદેશના દાદરીથી શરૂ થઈને મહારાષ્ટ્રના JNPA પોર્ટ સુધી જાય છે. દાદરી ખાતે આ લાઈન ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (EDFC) સાથે જોડાય છે. લુધિયાણાથી સોનનગર સુધીનો EDFCનો હિસ્સો પણ અગાઉ પૂર્ણ થઈ ચૂક્યો છે. આ બંને કોરિડોર સંપૂર્ણ રીતે કાર્યરત થવાથી ભારતમાં હવે આશરે 2,843 કિલોમીટર લાંબુ ડેડિકેટેડ ફ્રેઇટ રેલ નેટવર્ક પૂર્ણ ક્ષમતા સાથે શરૂ થઈ ગયું છે.
DFCCના ડિરેક્ટર (ઓપરેશન્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ) શોભિત ભટનાગરે જણાવ્યું હતું કે, "આ કોરિડોરનું બાંધકામ 2006માં શરૂ થયું હતું. હવે ઈસ્ટર્ન કોરિડોર અને વેસ્ટર્ન કોરિડોર બંને પૂર્ણ થઈ ગયા છે. ઈસ્ટર્ન કોરિડોર આશરે 1,337 કિલોમીટર લાંબો છે, જે સાહનેવાલથી સોનનગર સુધી વિસ્તરેલો છે."