સત્ય. સાહસ. સંકલ્પ.

નવસારીમાં ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન: PM મોદીએ સી.આર. પાટીલને ‘ભાઈ’ કહી સંબંધો દર્શાવ્યા

નવસારીમાં ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન: PM મોદીએ સી.આર. પાટીલને ‘ભાઈ’ કહી સંબંધો દર્શાવ્યા

નવસારીમાં આજે નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પોતાના ઉદ્બોધનની શરૂઆત કરતાં વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને ‘ભાઈ’ સંબોધન કર્યું હતું, જે તેમની વચ્ચેની ઘનિષ્ઠતા અને વિશ્વાસ દર્શાવે છે.

રાજકીય રીતે આ કાર્યક્રમ માત્ર કાર્યાલયના લોકાર્પણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વડાપ્રધાન મોદી અને નવસારીના સાંસદ તથા જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ વચ્ચેના સંબંધનું પ્રતીક છે. ચંદ્રકાંત રઘુનાથ પાટીલ, જેમને સી.આર. પાટીલ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ પોતાની કાર્યશૈલી અને સંગઠન પરની પકડને કારણે PM મોદીના ખાસ વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્રને ભાજપની રાજકીય પ્રયોગશાળા ગણવામાં આવે છે, તેવી જ રીતે દક્ષિણ ગુજરાતનું નવસારી પણ રાજકારણનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. નવસારી લોકસભા મતવિસ્તાર બન્યા બાદ છેલ્લા દોઢ દાયકાથી આ બેઠક ચર્ચામાં છે. PM મોદી દ્વારા જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય તેવો આ કદાચ દેશનો પ્રથમ પ્રસંગ છે.

લગભગ 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલા આ કાર્યાલયના નિર્માણમાં અંદાજે 10 કરોડથી વધુનો ખર્ચ થયો છે. મીટિંગ રૂમ, ઓડિટોરિયમ, હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને AI આધારિત ટેક્નોલોજી જેવી આધુનિક સુવિધાઓથી તે સજ્જ છે.

સી.આર. પાટીલની રાજકીય કાર્યશૈલીની મોટી વિશેષતા સંગઠનને ચૂંટણીના સૂક્ષ્મ સ્તર સુધી લઈ જવાની રહી છે. 2020માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમણે ‘પેજ કમિટી’ જેવુ મોડેલ આગળ વધાર્યું, જેમાં મતદાર યાદીના દરેક પેજ સાથે કાર્યકરોને જોડવામાં આવે છે. આ અભિગમને કારણે ચૂંટણી મશીનરી વધુ માઇક્રો-લેવલ સુધી પહોંચી.

2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે તમામ 31 જિલ્લા પંચાયતો અને 89 નગરપાલિકાઓમાં જીત મેળવી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી હતી, જે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી મોટી જીત છે.

2019ની લોકસભા ચૂંટણીમાં સી.આર. પાટીલે દેશમાં સૌથી વધુ 6,89,688 મતોના માર્જિનથી જીત મેળવી હતી, જેમાં PM મોદી પણ તેમનાથી પાછળ હતા. 2024માં પણ તેમણે 7,73,551 મતોની સરસાઈથી જીત મેળવી. નવસારી બેઠક પર કોંગ્રેસને આજદિન સુધી ખાતું નથી ખોલી શકી.

આ પ્રસંગે સી.આર. પાટીલે PM મોદીનો આભાર માનતા કહ્યું કે, નવસારીમાં પધારવું એ સમગ્ર કાર્યકર્તા પરિવાર માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. કાર્યાલય માત્ર ઇમારત નથી, પરંતુ સંગઠનની ભાવનાનું કેન્દ્ર છે.