વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. તેઓ વડોદરા અને નવસારીમાં યોજાનારા કાર્યક્રમોમાં ભાગ લેશે.
વડોદરામાં તેઓ ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં GEN-Z યુવાનો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ એમ.એસ. યુનિવર્સિટીના પેવિલિયન મેદાનમાં યોજાશે. સ્ટેજ સાથે ‘Y’ આકારનો વિશેષ રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેથી PM મોદી યુવાનોની વચ્ચે જઈને તેમની સાથે સીધો સંવાદ કરી શકે.
આ દરમિયાન ગુજરાતને ₹35 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ મળશે. રેલવે અને નેશનલ હાઈવે સંબંધિત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ થશે.
વડોદરા પછી PM મોદી નવસારી જશે, જ્યાં જિલ્લા ભાજપના નવનિર્મિત ‘નમો કમલમ્’ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યાલય AI ટેક્નોલૉજી, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને ડિજિટલ કોન્ફરન્સ રૂમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
કાર્યક્રમમાં ભાજપના નેતાઓ ઉપરાંત નવસારીના બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, શિક્ષણવિદો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહેશે.
PM મોદી બપોરે 12 વાગ્યે વડોદરા પહોંચશે અને બપોરે 2 વાગ્યે નવસારી જશે. ત્યાંથી સાંજે 4:30 વાગ્યે સુરત એરપોર્ટથી મુંબઈ રવાના થશે.