સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદથી ગાંધીનગર: PM મોદીની મુલાકાત, સરકાર અને સંગઠન વચ્ચે સંકલન પર ભાર

અમદાવાદથી ગાંધીનગર: PM મોદીની મુલાકાત, સરકાર અને સંગઠન વચ્ચે સંકલન પર ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સહિતના મહાનુભાવોએ કર્યું હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગરના લોકભવન ખાતે ગયા હતા.

એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ જનપ્રતિનિધિઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં પૂર્વ ધારાસભ્ય ભરત બારોટ, અરવિંદ પટેલ, સુરેશ પટેલ અને હરીન પાઠક, તેમજ પૂર્વ સાંસદ કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદીપ પરમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકભવન ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારની કામગીરી, સુશાસન અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિને પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેમાં સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારા સંકલન, આગામી સમયમાં હાથ ધરાનારા વિકાસકાર્યો અને ભવિષ્યલક્ષી આયોજન અંગે વડાપ્રધાન માર્ગદર્શન આપે તેવી સંભાવના છે.

લોકભવનની બેઠક બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રધાનમંત્રી મોદી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો અને પ્રદેશ ભાજપના નેતાઓ સાથે ડિનર કરશે. આ મુલાકાત દરમિયાન સરકાર અને સંગઠનના આગેવાનો વચ્ચે અનૌપચારિક ચર્ચા પણ થાય તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદીનું ગાંધીનગરમાં જ રાત્રિ રોકાણ નિર્ધારિત છે.

આ મુલાકાતને પગલે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. જોકે, સત્તાવાર રીતે બેઠકના એજન્ડા અને ચર્ચાના વિગતો જાહેર કરવામાં આવી નથી.