સત્ય. સાહસ. સંકલ્પ.

રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાન મોદીની ગુજરાતમાં બે દિવસીય મુલાકાત, એકતાનગરમાં આરતી અને એકતા પરેડમાં ભાગ લેશે

રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાન મોદીની ગુજરાતમાં બે દિવસીય મુલાકાત, એકતાનગરમાં આરતી અને એકતા પરેડમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર, 2026ના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં જોડાશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

30 ઓક્ટોબરના રોજ બપોરે 3:40 વાગ્યે વડાપ્રધાન ગાંધીનગરથી એકતા નગર રવાના થશે. સાંજે 4:45 વાગ્યે તેઓ હેલિકોપ્ટર દ્વારા એકતા નગર પહોંચશે. સાંજે 5:00 થી 5:45 દરમિયાન તેઓ 'ભારત પર્વ'નું ઉદ્ઘાટન કરશે અને તેની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે 6:00 થી 7:30 સુધી 'આનંદ મઠ' નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે 7:45 થી 8:05 દરમિયાન 'એકતા પ્રકાશ પર્વ'ની મુલાકાત લેશે. રાત્રે 8:15 થી 8:45 સુધી શૂલપાણેશ્વર નર્મદા ઘાટ ખાતે યોજાનારી 'નર્મદા આરતી'માં જોડાશે. આ પછી તેઓ સર્કિટ હાઉસ જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા 15.10 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં ઘાટનું વિસ્તરણ, સુલભ અવરજવરની સુવિધાઓ, નદીકાંઠાનું સંરક્ષણ અને લાલ રેતીના પથ્થરો, ભીંતચિત્રો અને શિલ્પો દ્વારા સૌંદર્યીકરણનો સમાવેશ થાય છે. આનાથી ભક્તો અને પ્રવાસીઓને આરતી તથા ધાર્મિક વિધિઓ માટે વધુ સુવિધાઓ મળશે.

31 ઓક્ટોબરના રોજ સવારે 8:45 વાગ્યે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થશે. સવારે 9:00 થી 9:10 દરમિયાન ચરણ પૂજન કરશે. સવારે 9:15 થી 9:30 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કરશે. સવારે 9:35 વાગ્યે નવી વિસ્ટાડોમ બસ દ્વારા 'રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ' સુધી સફર કરશે અને 9:40 થી 10:00 સુધી તેની મુલાકાત લેશે. ત્યારબાદ 10:00 થી 10:30 સુધી 'બોન્સાઈ ગાર્ડન'ની મુલાકાત લેશે. સવારે 10:45 થી સાંજે 5:10 સુધી તેઓ સર્કિટ હાઉસમાં રહેશે. સાંજે 5:15 વાગ્યે એકતા પથ જવા રવાના થશે અને 5:30 થી 7:40 સુધી 'એકતા પરેડ'માં ભાગ લેશે. રાત્રે 8:00 વાગ્યે એકતા નગરથી રોડ માર્ગે વડોદરા એરપોર્ટ જવા રવાના થશે અને રાત્રે 9:10 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

આ ઉપરાંત, વડાપ્રધાન બનાસકાંઠામાં 750 કરોડના ખર્ચે 4,300થી વધુ બાળમિત્ર આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ભીલડીથી બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે.