વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરા અને નવસારીમાં કુલ ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ પ્રોજેક્ટ્સમાં કેન્દ્ર સરકારના ₹32,606 કરોડ અને રાજ્ય સરકારના ₹2,597 કરોડથી વધુનો ફાળો છે.
આ પ્રવાસનું મુખ્ય કેન્દ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. ભારતીય રેલવે અંતર્ગત ₹30,766 કરોડના પ્રોજેક્ટ્સની શરૂઆત થશે, જેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ સેક્શન – ન્યૂ સાણંદ-ન્યૂ મકરપુરા (138 કિ.મી.), ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે (86 કિ.મી.) અને ન્યૂ સફાળે-ન્યૂ JNPT (102 કિ.મી.) –નું લોકાર્પણ થશે, જેનો કુલ ખર્ચ ₹20,703 કરોડ છે. ઉપરાંત, WDFC પર નવી માલગાડીને ફ્લેગ ઑફ પણ કરાશે.
વડોદરા-રતલામ વચ્ચે 259 કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકનું ખાતમુહૂર્ત ₹8,885 કરોડના ખર્ચે થશે. આ ઉપરાંત વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન શરૂ કરાશે.
NHAI હેઠળ ₹1,840.55 કરોડના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે. NH-48ના વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પર ₹907.39 કરોડના ખર્ચે નવા પુલ, કામરેજ-ચલથાણ વચ્ચે ₹686.15 કરોડના ખર્ચે સિક્સ-લેન રોડ, NH-53 પર ₹187.11 કરોડના ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સ અને કંડારી તથા લુવારા ખાતે ₹59.90 કરોડના ફ્લાયઓવર બનાવવામાં આવશે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ₹916.38 કરોડના 8 પ્રોજેક્ટ્સ હાથ ધરાશે. વડોદરામાં ₹523.59 કરોડના ખર્ચે રિંગ રોડના બીજા તબક્કાનું અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચેરીનું ખાતમુહૂર્ત થશે. VUDA હસ્તક પૂર્વ વિસ્તારના 11 ગામો માટે ₹203.77 કરોડના ખર્ચે પાણીની ટાંકી, ફિલ્ટર પ્લાન્ટ અને ડ્રેનેજ વ્યવસ્થાનું લોકાર્પણ થશે. આજવા સરોવર ખાતે 150 MLD ક્ષમતાનો પોન્ટૂન પ્લાન્ટ પણ શરૂ કરાશે.
ગ્રીન એનર્જી ક્ષેત્રે મહીસાગર જિલ્લાના કડાણા ડેમ પર ₹489.20 કરોડના ખર્ચે 110 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે. વડોદરા અને સુરતમાં ₹94.58 કરોડના ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે.
PMAY-G (ગ્રામીણ) યોજના હેઠળ રાજ્યભરમાં ₹236.10 કરોડના ખર્ચે તૈયાર થયેલા 13,888 મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવશે.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહીસાગર નદી પર ₹150 કરોડ અને વાત્રક નદી પર ₹74.10 કરોડના ખર્ચે નવા મેજર બ્રિજ બનાવાશે. નડિયાદ-ડાકોર-પાલી માર્ગ પર હાઈ-લેવલ બ્રિજનું નિર્માણ થશે. આણંદમાં નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને નવસારીના એરુ PHQ ખાતે નવી સુવિધાઓનું લોકાર્પણ થશે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા તાપી જિલ્લાના સોનગઢમાં ₹214.52 કરોડના ખર્ચે ત્રણ RWSS પેકેજ ખુલ્લા મુકાશે. ઔદ્યોગિક વિકાસ માટે GIDC હેઠળ ઝઘડિયા-કાંટિયાજળ પાઇપલાઇનનું નવીનીકરણ અને સાવલીમાં રસ્તા પહોળા કરવાના કામોનું પણ લોકાર્પણ થશે.
આ તમામ બહુઆયામી વિકાસકાર્યો ગુજરાતની માળખાગત સુવિધાઓને સુદઢ બનાવી નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવશે.